રાજકોટ સહિત 3 એઈમ્સને કેબિનેટની મંજૂરી

રાજકોટ સહિત 3 એઈમ્સને કેબિનેટની મંજૂરી
જમ્મુના સામ્બા  અને કાશ્મીરના પુલવામામાં પણ  બનશે નવી એઈમ્સ
નવી દિલ્હી, તા. 10 :  ગુરુવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રાજકોટ સહિત દેશમાં કુલ ત્રણ એઈમ્સના નિર્માણને મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી.  જેમાં પુલવામામાં 1828 કરોડના ખર્ચે, જમ્મુના સામ્બામાં 1661 કરોડ અને રાજકોટમાં 1195 કરોડ રૂપિયાના ખર્ચે એઈમ્સનું નિર્માણ કરવામાં આવશે.  પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ તૈયાર થનારી એઈમ્સ માટેનું ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવશે.
મેડિકલ એજ્યૂકેશન, નર્સિંગ એજ્યુકેશન, ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સુવિધા અને સંશોધનોના હેતુથી ત્રણ નવી એઈમ્સને મંજૂરી આપવામાં આવી હોવાનું કેબિનેટની સત્તાવાર ઘોષણામાં કહેવામાં આવ્યું હતું. આ ત્રણ એઈમ્સ કાશ્મીરના પુલવામા, જમ્મુના સામ્બા અને રાજકોટમાં તૈયાર થશે. જેમાં સામ્બામાં એઈમ્સ 48 મહિનામાં તૈયાર થશે. જ્યારે પુલવામાંમા એઈમ્સની કામગીરી પૂર્ણ થવામાં 72 મહિનાનો સમય થશે તેવો અંદાજ છે. આ ઉપરાંત રાજકોટમાં 45 મહિનામાં એઈમ્સ તૈયાર કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. દરેક એઈમ્સમાં 100 એમબીબીએસ સીટ, 60 બીએસસી નર્સિંગ સીટ અને 15-20 જેટલા સુપર સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ તૈયાર થશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સુવિધા માટે 750થી વધુ બેડ રહેશે. જેમાં ઈમરજન્સી, ટ્રોમા બેડ્સ, આયુષ બેડ્સ, પ્રાઈવેટ-આઈસીયુ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી બેડ્સનો પણ સમાવેશ થાય છે. નવી એઈમ્સમાં દરરોજ 1500 જેટલા ઓપીડી દર્દીઓ અને મહિને 1000 જેટલા આઈપીડી દર્દીઓની સારવાર થઈ શકશે તેવો અંદાજ છે. 
 
ફરી ટ્રિપલ તલાક વટહુકમ
 
સંસદમાં ખરડો પસાર ન થઈ શકતા ફરીથી વટહુકમનો કેબિનેટનો નિર્ણય
નવી દિલ્હી, તા. 10 : નરેન્દ્ર મોદી સરકાર ટ્રિપલ તલાકનો ખરડો સંસદમાં પસાર થઈ ન શકતા હવે ફરીથી વટહુકમ લાવવામાં આવ્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં વટહુકમ ફરી લાવવા નિર્ણય થયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ જારી વટહુકમની મુદ્દત રરમી જાન્યુઆરીએ પુરી થાય છે.
સંસદનું શિયાળુ સત્ર બુધવારે સંપન્ન થયું છે અને આ દરમિયાન ટ્રિપલ તલાક ખરડો પસાર ન થતા વટહુકમ પણ રદ થયો છે. નિયમ મુજબ વટહુકમ જારી થયા બાદ તેને સંસદીય સત્રમાં રજૂ કરવાનો રહે છે બાકી છ મહિનામાં આપોઆપ વટહુકમ રદ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer