ખંડપીઠમાંથી જજ હટી જતાં અયોધ્યા કેસની સુનાવણી ટળી

ખંડપીઠમાંથી જજ હટી જતાં અયોધ્યા કેસની સુનાવણી ટળી
નવી દિલ્હી, તા. 10: સર્વોચ્ચ અદાલત સમક્ષ અયોધ્યા કેસની થતી સુનાવણીની એક નોંધનીય ઘટનામાં ન્યાયમૂર્તિ યુ.યુ. લલિતે કેસની સુનાવણીથી પોતાને અળગા કરી દીધા છે.  ’94માં યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની સરકાર વતી તેઓ કોર્ટમાં ઉપસ્થિત રહી ચુક્યા હતા એ હકીકત તરફ મુસ્લિમ પક્ષના વકીલ સીનિયર એડવોકેટ રાજીવ ધવને ધ્યાન દોરતાં જસ્ટિસ લલિતે પોતાને અળગા કર્યા છે. આ ગતિવિધિને પગલે અદાલતે બેન્ચની પુન:રચના કરવા નિર્ણય કર્યો છે અને કેસની સુનાવણીના સમયપત્રક વિશે આગામી તા.29મીએ નિર્ણય થશે.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ આદેશમાં જણાવ્યું હતું કે વહીવટી સત્તા બજાવવાના સુપ્રીમ કોર્ટના નિયમો હેઠળ બેન્ચના કદ વિશે નિર્ણય લેવા તેમનો વિશેષાધિકાર છે. તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાના વડપણવાળી આગલી બેન્ચે જણાવ્યું હતું કે 3 જજની બેન્ચ અરજીઓની સુનાવણી કરશે એવી ધવનની રજૂઆતના જવાબમાં તેમણે આમ જણાવ્યું હતું.
દસ્તાવેજો અને કેસની સામગ્રી (જે પર્શિઅન, અરેબિક, ઉર્દૂ અને ગુરમુખી ભાષાઓમાં છે)નો તરજુમો કરવામાં કેટલો સમય લાગશે તે જણાવવા અદાલતે રજિસ્ટ્રીને પૂછયું હતું. એક તરફ હિન્દુ મહાસભાના વકીલોનું કહેવું છે કે, આ મામલા સાથે જોડાયેલા દસ્તાવેજોના અનુવાદની ફરી તપાસ થવી જોઈએ, તો મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ન્યાયમૂર્તિ યુ.યુ. લલિત ખંડપીઠમાં હોવા સામે સવાલ ઊઠાવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer