નાના વેપારીઓને રાહત: જીએસટી મુક્તિમર્યાદા બમણી

નાના વેપારીઓને રાહત: જીએસટી મુક્તિમર્યાદા બમણી
40 લાખ સુધીના ટર્નઓવરમાં  જીએસટી  રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ

જીએસટી કાઉન્સિલનો મહત્ત્વનો નિર્ણય: કમ્પોઝિશન સ્કીમની મર્યાદા 1.5 કરોડ થઈ

 

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 10: નાણામંત્રી અરુણ જેટલીની આગેવાનીમાં આજે ગુરુવારે મળેલી જીએસટી કાઉન્સિલની 32મી બેઠકમાં નાના વેપારીઓ અને નાના ઉદ્યોગોને રાહત આપવાની દિશામાં મહત્ત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. જેમાં જીએટી કાઉન્સિલે કમ્પોઝિશન સ્કીમની સીમાને 1 કરોડથી વધારીને 1.5 કરોડ કરી છે. આ ઉપરાંત કમ્પોઝિશન સ્કીમ પસંદ કરનારા એકમોને ટેક્સ દર ત્રિમાસિક ગાળામાં ભરવાનો પડશે પણ રીટર્ન વર્ષમાં એક વખત દાખલ કરાવવાનું રહેશે. આ ઉપરાંત નાના વેપારીઓને આપેલી ભેટમાં 20 લાખને બદલે 40 લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતાં એકમોને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે. પહાડી રાજ્યોનાં એકમો માટે પણ મર્યાદાને બમણી કરીને 10 લાખને બદલે 20 લાખ રૂપિયાના વાર્ષિક ટર્નઓવરની કરવામાં આવી છે. જો કે 20 લાખ કે 40 લાખની મર્યાદા પસંદ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકશે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, પહેલા 20 લાખ રૂપિયા સુધીનું ટર્ન ઓવર ધરાવતા ઉદ્યોગકર્તાઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી છૂટ મળતી હતી. જ્યારે ઉત્તર પૂર્વના પહાડી રાજ્યોની કંપનીઓને આ છૂટની મર્યાદા 10 લાખ રૂપિયાના વાર્ષિક ટર્નઓવરથી હતી. આ બન્ને મર્યાદામાં ફેરફાર કરીને ક્રમશ: 40 લાખ અને 20 લાખ કરવામાં આવી છે. આ સાથે ઉત્તર - પૂર્વનાં રાજ્યોને લિમિટમાં વધઘટ કરવાની છૂટ આપવામાં આવી છે.

કાઉન્સિલની બેઠકમાં જીએસટી રજિસ્ટ્રેશનથી છૂટ, કમ્પોઝિશન સ્કીમ અને કેરળ આપદા માટે સેસ લાદવા સહિતના નિર્ણય કરવામાં આવ્યા હતા. નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, હવે કમ્પોઝિશન સ્કીમની સીમા 1 કરોડ રૂપિયાથી વધારીને 1.5 કરોડ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે હવે જે કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ સુધીનું છે તે પણ કમ્પોઝિશન સ્કીમનો લાભ લઈ શકશે. કાઉન્સિલે કમ્પોઝિશન સ્કીમ પસંદ કરનારી કંપનીઓને રિર્ટન ભરવામાં પણ મોટી રાહત આપી છે. જેના મુજબ કમ્પોઝિશન સ્કીમમાં જનારાને ટેક્સ તો દર ત્રિમાસિક ગાળામાં ભરવો પડશે પરંતુ રિટર્ન વર્ષમાં એક વખત ભરી શકાશે. કમ્પોઝિશન સ્કીમને લઈને કરવામાં આવેલા બન્ને નિયમો 1 એપ્રિલ 2019થી લાગુ કરવામાં આવશે.

કાઉન્સિલે કેરળ પૂર બાદ વિકાસ કાર્ય માટે ખર્ચ એકઠો કરવા માટે આંતરરાજ્ય વેપાર ઉપર ડિઝાસ્ટર સેસ લાદવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, કેરળની અંદર વેચાણ ઉપર વધુમાં વધુ બે વર્ષ માટે મહત્તમ 1 ટકા સેસ લગાડવાની મંજૂરી અપાઈ છે. કાઉન્સિલની બેઠકમાં રિયલ એસ્ટેટ અને લોટરી સેક્ટર ઉપર જીએસટી સંબંધિત નિર્ણયો માટે કાઉન્સિલે સલાહકાર સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો હતો. જેમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે 7 સભ્યોનો મંત્રીસમૂહ બનાવવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer