સીબીઆઈના વડા પદેથી આલોક વર્માની હકાલપટ્ટી

સીબીઆઈના વડા પદેથી આલોક વર્માની હકાલપટ્ટી
પસંદગી સમિતિએ 2-1 મતે કર્યો ફેંસલો ઈં ફાયર સર્વિસના ડીજી તરીકે થઈ નિમણૂક
 
એજન્સીના ઈતિહાસમાં વડા સામે પ્રથમવાર આવું આકરું પગલું
સુપ્રીમ કોર્ટે પદ ઉપર પુન:સ્થાપિત કર્યાના બે દિવસમાં જ પદભ્રષ્ટ
 
નવી દિલ્હી, તા. 10: સીબીઆઈના વડા આલોક વર્મા અને તેમના ડેપ્યુટી રાકેશ અસ્થાના વચ્ચેના તીવ્ર બનેલા કલહના પગલે કાનૂની કારવાઈઓ સહિતના ચકચારભર્યા ઘમાસાણના અંતે વર્માને આજે તેમના પદેથી દૂર કરવામાં આવ્યા છે. તેમના ભાવિ વિશે ફેંસલો કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ઉચ્ચ સત્તાધારી પસંદગી સમિતિની આજની બે કલાક ચાલેલી બેઠક બાદ આ પગલું લેવાયું હતું. એજન્સીના ઈતિહાસમાં આવું આકરું પગલું લેવાયું હોય તેવા તેઓ પ્રથમ સીબીઆઈ વડા છે. ડિરેકટર પદે તેમની મુદત આગામી તા. 31મીએ પૂર્ણ થવામાં હતી. સમિતિની આજની આ બેઠકમા પીએમ  ઉપરાંત લોકસભામાંના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ નિયુકત કરેલા જસ્ટીસ એ.કે. સિકરી ઉપસ્થિત હતા. લાંબી રજા પર મોકલી દેવાયા ઉપરાંત પોતાની સત્તાઓ છીનવી લેવાના સરકારના પગલાને પડકારતી સર્વોચ્ચ અદાલતમાંની અરજી પરથી વર્માને સીબીઆઈ વડાપદે બહાલ કરતો ચુકાદો અદાલતે મંગળવારે આપ્યો હતો. ચુકાદા બાદ વર્માએ આજે 77 દિવસ બાદ કાર્યભાર સંભાળવા સાથે વર્માએ, તેમના સ્થાને વચગાળાના વડા બનાવાયેલા એમ. નાગેશ્વર રાવે અનેક અફસરોની કરેલી બદલીઓ રદ કરવાનો આદેશ દિવસ દરમિયાન આપ્યો હતો, પરંતુ ઉકત સમિતિની બેઠક બાદ મોડી સાંજે ખુદ વર્માને જ સીબીઆઈ વડા પદેથી હઠાવી દેવાયા સાથે આ પ્રકરણમાં ઘેરો વળાંક આવ્યો છે.  વર્માની હવે ફાયર સર્વિસીસના ડીજી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
’79ની બેચના એજીએમયુટી કેડરના આઈપીએસ અધિકારી વર્માને ભ્રષ્ટાચારના અને ફરજચૂકના આરોપસર દૂર કરાયાનું અધિકારીઓને ટાંકી સમાચાર એજન્સી જણાવે છે.
બેઠકમાં ખડગે, પીએમ મોદી અને જસ્ટીસ સિકરી સાથે અસહમત થયાનું જણાતું હતું અને તેમણે કેટલાક વાંધા ય ઉઠાવ્યા હતા. તે છતાં સમિતિએ 2-1થી આ નિર્ણય કર્યો હતે. સમિતિની આજની બેઠક દ્વિતીય હતી, બુધવારની પ્રથમ બેઠક અધૂરી રહી હતી. ખડગેએ આ મામલામાં કેન્દ્રિય તકેદારી પંચ (સીવીસી)ના તપાસ રીપોર્ટ સહિતના દસ્તાવેજો માગ્યા હતા. વર્માને પણ સમિતિ સમક્ષ હાજર રહી પોતાની કેફિયત રજુ કરવા તક અપાવી જોઈએ એવી માગણી ય ખડગેએ કરી હતી.
વર્મા અને ખાસ ડિરેકટર અસ્થાનાએ એકમેક સામે ભ્રષ્ટાચારના કરેલા આક્ષેપોથી તેઓ વચ્ચેની તકરાર વણસતાં સરકારે ગયા ઓકટો.માં (સીવીસીની ભલામણથી) લાંબી રજા પર મોકલી દીધા હતા. મંગળવારના ચુકાદામાં અદાલતે વર્માને સીબીઆઈ વડા પદે બહાલ કર્યા પરંતુ તેમની સામેની તપાસ રિપોર્ટની સમીક્ષા પસંદગી સમિતિ ન કરે ત્યાં સુધી તેઓ નીતિવિષયક નિર્ણય પર મનાઈ ફરમાવી હતી.
નાગેશ્વર રાવે 23 ઓકટોબરે વચગાળાના વડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ બીજા જ દિવસે મોટા પાયે અફસરોની બદલીઓ કરતા આદેશ આપ્યા હતા.
 
અસ્થાનાની તપાસની દેખરેખ રાખનાર સીબીઆઈ સિંહા તપાસથી અળગા થયા 
નવી દિલ્હી, તા. 10: સીબીઆઈના ખાસ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામેની તપાસ પર દેખરેખ રાખી રહેલા સીબીઆઈના ડીઆઈજી એમ.કે. સિંહાએ તપાસનો અખત્યાર સંભાળવાથી પોતાને અળગા કરી દીધા છે. (77 દિવસ ચાલેલી) લાંબી રજા પર ઉતરવા ફરજ પાડવામાં આવેલા સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને જારી કરેલા નવા રીશફલ ઓર્ડરમાં સિંહાને બેન્કિંગ, જામીનગીરીઓ અને ફ્રોડ સેલ તથા એસી-3 યુનિટ (કે જે અસ્થાના સામેનો ભ્રષ્ટાચારનો કેસ તપાસી રહ્યું હતું)નો અખત્યાર અપાયો હતો. દરમિયાન અસ્થાનાએ પોતાની સામે થયેલી એફઆઈઆર રદ કરવા કરેલી માગણી અંગે આવતીકાલે દિલ્હી હાઈકોર્ટ પોતાનો ફેંસલો આપે તેવી સંભાવના છે.
સિંહાએ આ બીએસએફસીનો અખત્યાર સંભાળી લીધો હતો પરંતુ (વર્મા અને અસ્થાના વચ્ચે હાલ ચાલી રહેલી કલહના કારણે) એસી-3 યુનિટથી પોતાને અળગા રાખવા ઓફર કરી હતી. તપાસનાં હિતમાં આમ કરવામાં આવે તેમ સિંહાએ એજન્સીના વડાને જણાવ્યાનું મનાય છે. અસ્થાનાને સંડોવતી લાંચનાં નાણાંનું પગેરું ઉકેલનાર ડીઆઈજીની, ગઈ તા. 23 ઓક્ટોબરે એજન્સીના વચગાળાના વડા તરીકેનો અખત્યાર સંભાળનાર નાગેશ્વર રાવે નાગપુરમાં બદલી કરી નાખી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer