અલખ નિરંજન: ગિરનાર શિવરાત્રી મેળા માટે રાજ્યએ ફાળવ્યા 15 કરોડ

શિવરાત્રી કુંભમેળાનું ભવ્ય આયોજન: સામાજિક સમરસતા થીમ પર મેળો યોજાશે: વિજય રૂપાણી
27મી ફેબ્રુ.થી 4 માર્ચ દરમિયાન શિવરાત્રી કુંભ મેળો
ગાંધીનગર, તા.10 : રાજ્ય સરકારે આગામી  શિવરાત્રી દરમિયાન 27 ફેબ્રુઆરી થી 4 માર્ચ દરમિયાન ગિરનાર શિવરાત્રી કુંભમેળાના ભવ્ય આયોજન માટે 15 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી આ મેળા આયોજન અંગેની બેઠકમાં તેમણે આ વિગતો આપી હતી.
આ વર્ષે મેળો સામાજિક સમરસતાની થીમ સાથે ઉજવાશે એટલું જ નહી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ-કુંડ-નદી નાળાની સફાઇ મેરેથોન દોડ-પર્વતારોહણ સ્પર્ધા સ્પિરિચ્યુઅલ વોકના નવા આકર્ષણો પણ મેળામાં જોડવામાં આવશે. મુખ્યપ્રધાને જૂનાગઢના આ મેળાને પ્રયાગરાજમાં યોજાતા કુંભમેળા સમકક્ષ મિની કુંભમેળા તરીકે યોજવાની નેમ સાથે ગુજરાતના અધિકારીઓની  એક ટીમ જાત માહિતી માટે ત્યાં મોકલી હતી. આ ટીમના સૂચનો ધ્યાનમાં લઇને  ગિરનાર કુંભ મેળો ભવ્ય બનાવવા વિજયભાઇ રૂપાણીએ માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે એવું સૂચન કર્યુ હતું કે, મેળામાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય તેમજ સરકારી ભવનો ઉપર કુંભમૅળાને અનુરૂપ ચિત્રો -સુશોભન- એલ.ઇ.ડી લાઇટ્સ હાઇ માસ્ક મૂકવામાં આવે .આ મેળાના દિવસો દરમિયાકન ગિરનાર પર્વતની દિવાલ ઉપર લેસર શૉ-ફૂલો અને કલરની રંગોળી પણ કરવામાં આવશે.
આ કુંભ મેળામાં મોટી સંખ્યામાં અવનારા સંતો માટે સંત સંકલન સમિતિ વિશ્વંભર ભારતી બાપુ અને  શેરનાથ બાપુ સાથે પરામર્શમાં રહી રચવાનું પણ બેઠકમાં તય થયું હતું.મેળામાં આવનારા  શ્રધ્ધાળુઓ માટે વધુ સંખ્યામાં બસ ફાળવણી  કરવા સાથે આ મેળો ભવ્ય/સ્વચ્છ અને આધ્યામિક ભાવનાનું આગવું પ્રતિક બને તેવા આયોજન માટે મુખ્યપ્રધાને તાકીદ કરી હતી. તેમણે દર વર્ષે મેળામાં યોજાતી રવાડી ને બેન્ડ-રાસમંડળીઓ-હાથી ઘોડા સાથે વધુ ધામધૂમ પૂર્વક યોજવા વિષયે પ્રેરક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં યાત્રાધામ વિકાસ રાજ્યપધ્રાન વિભાવરી બહેન દવે મુખ્યપ્રધાનના અગ્રસચિવ કૈલાસનાથન, અગ્રસચિવ એમ.કે.દાસ તથા વન પ્રવાસન અને શહેરી વિકાસ ના અગ્રસચિવો તેમજ વરિષ્ઠ અધિકારીઓ જૂનાગઢ મહાપાલિકાના મેયર -કમિશ્નર જિલ્લા કલેકટર  તેમજ વિશ્વંભર ભારતી બાપુ શેરનાથ બાપુ અને અન્ય  અગ્રણીઓ પણ જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer