લાઈફકેર હોસ્પિ.નો કર્મચારી ગુમ થવા પાછળનું રહસ્ય શું ?

કબજે કરાયેલા સરકારી દવાના 30 કાર્ટુન પ્રકરણમાં તબીબની ધરપકડની તજવીજ:
વીડિયો વાયરલ કરવામાં આવ્યા બાદ યુવાન લાપતા બન્યો : અનેકના સપર્કમાં હતો
રાજકોટ, તા.10 : રાજકોટના કુવાડવારોડ પર આવેલી લાઈફકેર હોસ્પિટલમાં નોકરી કરતા પ્રાસલી ગામના યુવાનને તબીબ સહિત ત્રણ શખસોએ માર માર્યા બાદ એકાએક લાપતા બની ગયો હતો. અને બાદમાં તબીબ સહિતના માર મારતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ મામલો પોલીસમા પહોંચ્યો હતો. અને તબીબ સહિત ત્રણ શખસો વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી જેલહવાલે કરી દેવામાં આવ્યા હતા. બાદમાં નાટકીયઢબે પોલીસે લાપતા બનેલા યુવાનને શોધી કાઢયાનો દાવો કર્યો હતો. અને તબીબની બોગસ ડીગ્રી હોવાનું ખુલ્યુ હતુ. અને પોલીસે ખાનગી હોસ્પિટલમાંથી સરકારી દવાનો જથ્થો મળી આવતા તબીબ અને તેના પિતાને શકદાર તરીકે બતાવીને બીજો ગુનો નોંધ્યો હતો. અને ભીનુ સંકેલી લેવાનો તાલ સર્જ્યો હતો. જો કે લાપતા બનેલા યુવાનના મામલે અનેક રહસ્યો સર્જાયા છે. અને પોલીસે પણ રાબેતા મુજબ ઘુંટણીયે પડીને કાર્યવાહી હાથધરતા પોલીસની કામગીરી સદર્ભે અનેક પ્રશ્નો ઉઠી રહયા છે.
આ અંગેની વિગત એવી છે કે, સુત્રાપાડાના પ્રાસલી ગામનો મયુર ઉર્ફે માનસીંગ રાજાભાઈ મોરી નામનો રજપુત યુવાન રાજકોટના કુવાડવા રોડ પર આવેલી લાઈફ કેર હોસ્પિટલમાં નોકરી કરતો હતો. દરમિયાન તબીબ શ્યામ રાજાણી અને મયુર મોરી વચ્ચે ડખ્ખો થતા નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો. બાદમાં મયુર મોરીને કારમાં ઉપાડી જઈ તબીબ શ્યામ રાજાણી તેમજ પ્રાસલી ગામનો દરજી રાહુલ પઢીયાર અને લાલપરીનો રાજુ કોળી સહિતના શખસોએ બેફામ માર માર્યો હતો. આ અંગેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. જે ગત રવિવારના સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અને તબીબ સહિતના શખસોએ મયુર મોરીને માર્યો હોય તે રર દિવસથી લાપતા બની ગયાની વિગતો પ્રકાશમાં આવતા પોલીસે તપાસ હાથધરી હતી. અને આ મામલે ભારે ઉહાપોહ થતા તબીબ શ્યામ રાજાણીની પૂછતાછ કરવામાં આવતા તબીબ શ્યામ અને તેની પત્ની કરીશ્મા વચ્ચે ડખ્ખો મયુર મોરીએ કરાવતા બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. અને તબીબ વિશે બહાર બોલતો હોય અને બદનામ કરતો હોય ઉપાડી જઈ માર માર્યો હતો. આ મામલે પ્રાસલીના સંરપચ નરસીભાઈ ગોવીંદભાઈ જાદવની ફરીયાદપરથી તબીબ શ્યામ હેમત રાજાણી અને રાહુલ પઢીયાર અને રાજુ કોળી વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
દરમિયાન તબીબ શ્યામ રાજાણીની તબીબી ડીગ્રી પણ બોગસ હોવાનું ખુલ્યુ હતુ. અને કોર્પોરેશનના હેલ્થ વિભાગના ત્રણથી ચાર અધિકારીઓના નામ સપાટી પર આવ્યા હતા. અને તબીબ શ્યામ રાજાણી શરાબ-સુંદરીઓનો શોખીન હોવાનું અને આ મામલે મયુર સાથે માથાકુટ થઈ હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી હતી. દરમિયાન પીઆઈ. ઠાકર તથા સ્ટાફે તપાસ હાથધરતા લાઈફ કેર હોસ્પિટલમાંથી સરકારી દવાનો જથ્થો મળી આવતા પોલીસે કબજે કર્યો હતો. અને 30 જેટલા કાર્ટુન ભરીને દવાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. અને તબીબ શ્યામ રાજાણી અને તેના પિતા હેમતભાઈ રાજાણીને શકદાર તરીકે દર્શાવીને ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રકરણમાં તબીબ શ્યામ રાજાણીની ધરપકડની તજવીજ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મયુર મોરી કચ્છ પથકમાં આવેલી સીમેન્ટ કપનીમાં કામે રહી ગયો હતો. અને મોબાઈલ નંબર બદલી નાખ્યો હોય તેના લોકેશનના આધારે મયુર મોરીને શોધી કાઢયાનો દાવો કર્યો હતો. પરંતુ મયુર મોરીએ મૌન ધારણ કરી લેતા સમગ્ર પ્રકરણ પર પડદો પડી ગયો હતો. અને લાપતા બનવા પાછળનું અને લાઈફ કેર હોસ્પિટલના કૌભાંડનો પર્દાફાશ કરવા પાછળનો હેતુ શું અને સૂત્રધાર કોણ તે સહિતના અનેક પ્રશ્નો ઉઠી રહયા છે. અને પોલીસની કહેવાતી કામગીરી સદર્ભે પણ અનેક તર્કવિતર્કો થઈ રહયા છે.
તબીબ-પિતાને ધમકી મળતા ફરિયાદ કરી’તી
લાઈફ કેર હોસ્પિટલમાં નોકરી કરતો મયુર મોરી લાપતા બની જતા સંરપચ અને ગ્રામજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અને તબીબ તથા તેના પિતા હેમતભાઈને ફોન પર ધમકી આપવામાં આવતી હોય હોસ્પિટલના કર્મચારી રાહુલ પઢીયાર પાસે ગત તા.ર9/30ના  પોલીસમાં ફરીયાદ કરાવવામાં આવી હતી. પરંતુ બી.ડીવી.પોલીસે માત્ર અરજી લઈ તપાસ ચાલુ હોવાનું રટણ ચાલુ રાખ્યુ હતુ. અને તબીબ પિતા-પુત્રને પણ છાવરવાનો પ્રયાસ કર્યો હતો. જો પોલીસમાં અરજી કરવામાં આવી હતી. તે દિવસે જ તબીબ શ્યામ રાજાણીની પૂછતાછ કરવામાં આવી હોત તો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ જવા પામ્યો હોત પરંતુ પોલીસે સમગ્ર પ્રકરણમાં ઢાકપીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer