રાજકોટ તોલમાપ ખાતાનો કર્મચારી 30 હજારની લાંચ લેતા પકડાયો

વજન કાંટાના કમિશન પેટે લાંચની માગણી કરવામાં આવી’તી
રાજકોટ, તા. 10: અહીંની  તોલમાપ ખાતાની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરીનો જુનિયર નિરીક્ષક મહેન્દ્રકુમાર ભગવાનભાઇ પ્રજાપતિ રૂ. 30 હજારની લાંચ લેવાના આરોપસરના છટકામાં સપડાયો હતો.
કાનૂની માપ વિજ્ઞાન (તોલમાપ) ખાતા દ્વારા વજન કાંટાઓ અને વે બ્રિજ રીપેરીંગ કરવાનું લાયસન્સ ધરાવતાં આસામી પાસે ચેક કરવા આવેલા વજન કાંટાઓના કમિશનના રૂ. 30 હજાર લાંચ પેટે તોલમાપ ખાતાની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરીના જુનિયર નિરીક્ષક મહેન્દ્રકુમાર ભગવાનભાઇ પ્રજાપતિએ માગ્યા હતાં.લાંચની માગણી રૂબરૂ અને ફોન દ્વારા કરવામાં આવી હતી.પરંતુ લાયસન્સ ધારક  લાંચની રકમ આપવા માગતા ન હતાં. આથી તેણે રાજકોટ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરી હતી. બ્યુરોના મદદનીશ નિયામક અને સુપરવિઝન અધિકારી એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ ઇન્સ. સી.જે.સુરેજા અને તેની ટીમે છટકુ ગોઠવ્યું હતું.કોલેજવાડીમાં લાયસન્સધારાકની દુકાને ગોઠવવામાં આવેલા  આ છટકામાં મહેન્દ્રકુમાર પ્રજાપતિ સપડાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી ત્રિકોણ બાગ પાસે ભાવનગરના ઉતારામાં આવેલી છે. આ ઉતારાના કમ્પાઉન્ડમાં જ તોલમાપ ખાતાની કચેરી આવેલી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer