મોરબીની સબ જેલમાં કાચા કામના કેદીનું મૃત્યુ

હળવદના મૃતકની પત્નીની હત્યા કરવા અંગે ધરપકડ કરાઇ’તી
મોરબી, તા. 10: અહીની સબ જેલમાં પત્નીની હત્યા કરવા અંગે પકડાયેલા અને કાચા કામના કેદી તરીકે રખાયેલા હળવદના ધણાદ ગામના 36 વર્ષના રમેશ ઉકાભાઇ પાટડિયાનું મૃત્યુ થયું હતું.
ધણાદના કોળી રમેશ પાટડિયાની ઓકટોબર 2017ની સાલમાં પત્નીની હત્યા કરવા અંગે ધરપકડ કરવામાં આવી હતી અને તેને અહીંની સબ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. સવારે પોણા આઠ વાગ્યાના સુમારે તે જેલની બેરેકમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેના મૃત્યુનું કારણ જાણવા માટે લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેલર ગઢવીના જણાવ્યા પ્રમાણે રમેશ કોળી તા. 30-10-17થી 12-12-17 સુધી રાજકોટની જેલમાં હતો.13-12-17થી છેલ્લા 14 માસથી તે મોરબીની સબ જેલમાં હતો. ગઇરાતના તેને બિમારી સબબ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બાદમાં તેની તબિયત સારી લાગતા તેને પરત રાતે જ જેલમાં લાવવામાં આવ્યો હતો. સવારે તે ઉઠયો ન હતો. તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઇ જવાયો હતો. પણ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.આ કેદીના મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે તેમ જણાવાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer