મહુવા નજીક સિંહે યુવાનને ફાડી ખાધો

મહુવા નજીક સિંહે યુવાનને ફાડી ખાધો
મહુવા,તા.13 : સિંહ માનવભક્ષી બની રહ્યા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સિંહે અહીંના પિંગલેશ્વર નજીક એક યુવાનને ફાડી ખાધો હતો. જેની અર્ધખવાયેલી લાશ મળી આવતા સિંહો માનવભક્ષી બની રહ્યાનો ભય ફેલાયો છે.
 અહીંના પિંગલેશ્વર નજીક અગતરીયા ગામ પાસે જ 37 વર્ષના રામભાઇ ચુડાસમા નામના યુવાનને સિંહે ફાડી ખાધો છે. માછીમારી કરવા ગયેલા આ યુવાન ઉપર સિંહે હુમલો કર્યાનું અનુમાન છે. સામાન્ય રીતે સિંહ માનવી પર હુમલો કરતા નથી છંછેડાય તો ઇજા કરે પરંતુ મારી નાખે અને માનવીનું ભક્ષણ કરે તેવું બનતું નથી. પરંતુ આ ઘટનામાં સિંહે આ યુવાનનો અડધો દેહ ફાડી ખાધો છે.
આ ઘટના રાત્રીના બે વાગ્યે બન્યાનું અનુમાન છે. વન્યપ્રાણી પ્રેમીઓ અને વનતંત્ર પણ અચંબામાં છે. આ ઘટનાએ સિંહ માનવભક્ષી બની રહ્યાનો ભય ફેલાયો છે. વનતંત્રે આ ઘટનાની તપાસ હાથ ધરી છે. દરમિયાન ભાવનરથી પ્રાપ્ત વિગતો મુજબ તળાજા તાલુકાના સરતાનપર ગામના વતની અને મહુવા તાલુકાના ગુજરડા-અખ્તરીયા ગામની સીમમાં રહીને માછીમારી કરતાં યુવાન રામભાઇ દાનાભાઇ ચુડાસમાને ગત રાત્રીના સમયે વન્ય પ્રાણીએ ફાડી ખાતાં લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે.
વહેલી સવારે યુવકનો મૃતદેહ ફાડી ખાધેલી હાલતમાં મળી આવતાં વન વિભાગના અધિકારીઓ તથા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતાં સીમ વિસ્તારમાં સિંહના પગલા જોવા મળતા સિંહે યુવકને ખાંધો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. બનાવ સ્થળ નજીક જ સિંહ ત્રિપુટી રહેતી હોવાનું વન વિભાગના કર્મચારીએ જણાવ્યું હતું અને ફિલ્ડમાં કામ કરતાં વન વિભાગના કર્મચારીએ મૃતક યુવકને ચેતવ્યો હોવાનું વન અધિકારીએ જણાવ્યું હતું.
સાવજ-દીપડાના માનવો પર વધતા હુમલા
થોડા દિવસો પૂર્વે ગીરના દેવળીયા પાર્કમાં સિંહે ત્રણ લોકો ઉપર હુમલો કર્યો હતો. જેમાં એક વનકર્મચારીનું મોત થયું હતું. તેમજ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. તાજેતરમાં દીપડાએ સુડાવડ ગામે માસૂમ બાળકને માતાની નજર સામે જ ઉપાડી જઈ તેનો શિકાર કર્યે હતો. બાળકની ભાળ હજુ સુધી મળી નથી. રાની પશુઓના માનવ પર વધી રહેલા જીવલેણ હુમલાના બનાવો અંગે વન વિભાગે સલામતી માટે નક્કર પગલાં લેવાની તાતી જરૂર ઉભી થઈ છે.
 
આંબરડીના ખેતમજૂર ઉપર દીપડાનો હુમલો
સાવરકુંડલાના અંબરડી ગામે ખેતરમાં ઉભેલી જુવાર કાપતા ખેતમજૂર રવજીભાઇ ઉપર અચાનક ઝાડીમાંથી આવી ચડેલા દીપડાએ હુમલો કર્યો હતો. જેનાથી રવજીભાઇને પગ તેમજ ખભાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે 108 મારફત સાવરકુંડલા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો ત્રાસ હોવાથી તાત્કાલિક દીપડાને પાંજરે પૂરવા ગામના લોકોએ ઉગ્ર માગ કરી છે. (સૌરભ દોશી)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer