ઓછા ઉપકરણમાં અત:કરણને શુધ્ધ કરી લેવુ તે સંયમનું મહત્વ છે; નમ્ર મુનિ

ઓછા ઉપકરણમાં અત:કરણને શુધ્ધ કરી લેવુ તે સંયમનું મહત્વ છે; નમ્ર મુનિ
ડુંગર દરબારમાં આજે દીક્ષાર્થીઓની પરિગૃહ ત્યાગ તુલાવિધિ
રાજકોટ: ડુંગર દરબારમાં શ્રી નમ્ર મુનિ મહારાજની નિશ્રામાં દેવતાઇ વરદાન સમાન દીવ્ય રજોહરણ દર્શન કાર્યક્રમ યોજાયેલ. તેઓએ જણાવેલ કે, દીક્ષાર્થીઓ તરી ગયા અને અમે રહી ગયાના ભાવ સ્વયંને તરી જવાના બીજનું વાવેતર કરાવે છે. અધુરી સામગ્રીમાં પણ પૂર્ણ સાધના કરી લેવી તે સંયમનું સત્ય છે. ઓછા ઉપકરણમાં પણ અત:કરણને શુધ્ધ કરી લેવુ તે સંયમનું સત્વ છે. પ્રતિકુળતામાં જે આંસુ સારે છે. તેને ચાર ગતિમાં ભમવુ પડે છે. પ્રતિકુળતાને જે વેલકમ કરે તેજ પંચમ ગતિને પામે છે.
મુમુક્ષુઓના ત્યાગ ધર્મની અનુમોદના કરવા તેમજ સંયમ ધર્મની જયજયકાર કરવા અયોધ્યાપૂરમ ગુરૂકુળના બાળકો આવ્યા હતાં. સંયમ ધર્મને વંદના અને અભિવંદના કરતાં નૃત્ય ગાનની પ્રસ્તુતિ કરી હતી.
આ અવસરે વિશાળ સ્ટેજ પર રચવામાં આવેલા શાપિંગ મોલમાં મુમુક્ષુ બહેનોના માતા અને સ્વજનો દ્વારા મુમુક્ષુ બહેનોને દોરી જઈને વિવિધ વસ્તુઓ ખરીદવા માટેની લાલચ આપવા પર દીક્ષાર્થીઓએ એકપણ વસ્તુ ન ખરીદીને સમગ્ર સમુદાયને અંતરની નિ:સ્પૃહતાના દર્શન કરાવ્યાં હતાં.
રજોહરણ પ્રત્યે અંતરનો અહોભાવ અર્પણ કરતાં દીક્ષાર્થી બહેનોના સ્નેહી સ્વજનોએ રજોહરણની પ્રદક્ષિણા વંદના અર્પણ કરી હતી.
રોયલપાર્ક સંઘમાં સમગ્ર ચાતુર્માસ દરમ્યાન અનેક પ્રકારના માંગલ્યના સર્જન સાથે દેશ વિદેશમાં 95થી વધારે સેન્ટર ધરાવતા લુક એન લર્ન જૈન જ્ઞાનધામના રાજકોટના 6ઠ્ઠા  રોયલપાર્ક સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું.
નવસર્જિત રોયલપાર્ક લુક એન લર્નમાં એડમીશન લેનારા લુક એન લર્નના નાના નાના બાળકો દ્વારા આ અવસરે સુંદર વક્તવ્ય, સુંદર નૃત્ય-ગાન અને વિવિધ પ્રકારના આત્મ ભાવોની વેશભૂષાની અદ્દભૂત પ્રસ્તુતિ સાથે લુક એન લર્નના પ્રતિક ધરીને દીક્ષાર્થીઓને  આવકારાયા  હતાં એ સાથે જ, રાજકોટ લુક એન લર્નમાં જ અભ્યાસ કરીને સંસ્કરિત થયેલાં મુમુક્ષુ આરાધનાબેન અને મુમુક્ષુ ઉપાસનાબેનના હસ્તે લુક એન લર્ન રોયલપાર્કનું ઉદ્ઘાટન
કરાયું હતું.
આયોધ્યાપૂરમના બાળકોએ કરેલાં પેર્ફોર્મન્સની પ્રશસ્તિ કરતાં એમના માટે સવા લાખ રૂપિયાના ઈનામની ઘોષણા કરાઇ હતી. તેઓએ દીક્ષાર્થીઓના સન્માન  કર્યું હતું.
તા. 06ને ગુરુવાર સવારના 07:30 કલાકે હેતલબેન સંજયભાઈ શેઠના નિવાસ સ્થાન - ધર્મલય, સૌરાષ્ટ્ર કલા કેન્દ્રથી ભવ્ય અને જાજરમાન શોભાયાત્રા  નિકળશે. જ્યાં 100 નમસ્કાર મંત્રની ફ્રેમનું ડ્રો કરાશે. આ અવસરે રજોહરણ શણગાર સ્પર્ધાના સ્પર્ધકો  રજોહરણનું શણગાર કરીને શોભાયાત્રામાં જોડાશે. અતુલ્ય જીવન તરફ પ્રયાણ કરી રહેલાં દીક્ષાર્થીઓની પરિગ્રહ ત્યાગ તુલા વિધિ ડુંગર દરબાર ખાતે સવારના 09:00 કલાકે  કરાશે. સુખ સુવિધાને છોડી સત્યના માર્ગે જનાર આ શૂરવીર દીક્ષાર્થીની અનુમોદના કરવા બપોરના 3 કલાકે સંયમ સાંજીનો કાર્યક્રમ  છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer