ચોર સમજીને યુવાનને રહેંસી નાખવા અંગે ચાર સિકયુરીટી ગાર્ડની ધરપકડ

ચોર સમજીને યુવાનને રહેંસી નાખવા અંગે ચાર સિકયુરીટી ગાર્ડની ધરપકડ
નશો કરેલી હાલતમાં છેડતી કરવા આવ્યાની શંકાએ પતાવી દેવાયો’તો
રાજકોટ, તા. 5: મવડી સ્મશાનથી કણકોટ તરફ જતાં રસ્તા પર નેપાળી યુવાન લાલબહાદૂર રણબહાદૂર રાણાક્ષત્રીને ચોર સમજીને લાકડી, પાઇપ સહિતના હથિયારના ઘા મારીને રહેંસી નાખવા અંગે ચાર સિકયુરીટી ગાર્ડની પોલીસે ધરપકડ
કરી હતી.
મવડી સ્મશાનથી કણકોટ તરફ જતા રસ્તા પરના અક્ષર પરિસર  ફલેટ પાસેથી ગઇકાલે એક યુવાનની લાશ મળી આવી હતી. એ લાશ તાજેતરમાં નેપાળથી રાજકોટ આવેલા અને એ.જી.ચોક પાસેના રવિપાર્કમાં રહેતાં લાલબહાદૂર રાણાક્ષત્રી નામના નેપાળી યુવાનની હોવાનું અને તેના શરીર  બોથડ પદાર્થ અને તિક્ષ્ણ હથિયારના અગિયાર જેટલા ઘા મારીને હત્યા કરાયાનું ખુલ્યું હતું. ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પીઆઇ વણજારા અને તેની ટીમે હાથ ધરેલી તપાસમાં મૃતક યુવાન રાતના સમયે કણકોટના રસ્તે આવેલ ગોલ ટ્રાયો રેસીડન્ટના સિકયુરીટી ગાર્ડ વગેરેએ યુવાનને ચોર સમજીને બેફામ માર મારી તથા તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કર્યાનું ખુલ્યું હતું. આ વિગતના આધારે મૂળ સાવરકુંડલાના શિવાજીનગરના વતની અને લાભદીપ સોસાયટીમાં રહેતા સિકયુરીટી ગાર્ડ, દિનેશ દામજીભાઇ પોપટાણી, મૂળ વડિયાના મોરવાડીના મનસુખ બચુભાઇ ધામેલિયા, હસનવાડીમાં રહેતાં પ્રહલાદસિંહ  મહોબતસિંહ જાડેજા અને મૂળ ધારીના નરશીંગડાના વતની અને ગોલ ટ્રાયો સાઇડ પર પગીપણુ કરતાં પ્રવીણ  વલ્લભભાઇ મકવાણા અને એક સગીર શખસની ધરપકડ કરી હતી.
આ શખસોએ મૃતક યુવાન નશો કરેલી હાલતમાં  આંટા મારતો હોય છેડતી કરવા કે ચોરી કરવાનો ઇરાદો ધરાવતો હોવાની શંકાના આધારે તેને ટપાર્યો હતો. બાદમાં ઝઘડો ઉગ્ર બનતા લાકડી, પાઇપ અને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને પતાવી દીધાની કબુલાત આપી હતી.  પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer