પશુઓની નિકાસ અટકાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : મુખ્યમંત્રી

પશુઓની નિકાસ અટકાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : મુખ્યમંત્રી
કચ્છના પશુઓ માટે બે કરોડનો ચેક સ્વીકારાયો : ઘાસનું વિતરણ ટૂંક સમયમાં શરૂ થશે
રાજકોટ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છના પશુઓ માટે રૂ.બે કરોડ આવનારા ઉનાળાનો સામનો કરવામાં મૂલ્યવાન પુરવાર થશે. મુખ્યમંત્રીએ મણિયાર હોલ ખાતે અમદાવાદ પાંજરાપોળ દ્વારા અછતગ્રસ્ત કચ્છ જિલ્લાના પશુઓ માટે રૂ.બે કરોડનો ચેક સ્વીકારતી વખતે ઉપર મુજબ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધી રાજય સરકારે પશુઓના ઘાસચારા માટે રૂ.1200 કરોડની ફાળવણી કરી છે. ઉનાળામાં જરૂરીયાત મુજબ આ ફાળવણી વધારવામાં આવશે.
ગુજરાતના બંદરો પરથી થતી જીવતા પશુઓની નિકાસ કોઇ પણ ભોગે અટકાવવા રાજય સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. અને આ માટે કેન્દ્ર સરકારના નિયમોમાં બદલાવ કરવા માટે લેવાનારા યોગ્ય કાયદાકીય પગલાઓનો ટૂંકમાં ચિતાર આપ્યો હતો.
રાજયના મુખ્યમંત્રી તરીકે જીવદયા નિભાવવા માટે કોઇ પણ પ્રકારના બલિદાનો આપવા માટેની તત્પરતા વિજયભાઇએ દર્શાવી હતી.
રાજયના અછતગ્રસ્ત જાહેર થયેલા 96 તાલુકાઓમા પ્રત્યેક પશુ દીઠ રાજ્ય સરકાર રૂા.25ની સબસીડી આપે છે, અને આ તમામ તાલુકાઓ માટે 6 કરોડ કિલો ઘાસની ખરીદીના આદેશો અપાઇ ચૂકયા છે, જેનું વિતરણ નજીકના દિવસોમાં જ કરવામાં આવશે.
અમદાવાદ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી સંવેગભાઇ લાલભાઇએ કચ્છના પશુઓ માટે રૂા.બે કરોડનો ચેક એનાયત કર્યો હતો. જીવદયાઘર, ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડ, અમદાવાદ પાંજરાપોળ, વર્ધમાન પરિવાર તથા એનિમલ હેલ્પલાઇન સંસ્થાઓએ વિજયભાઇનું શાલ, સ્મૃતિચિહન, પ્રમાણપત્ર વગેરેથી સન્માન કર્યું હતું.  યશોવિજયસૂરિશ્વરજી મહારાજ સાહેબ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જીવદયાના કાર્યો કરી રહ્યા છે એ સમગ્ર જૈન સમાજ તેમનો ઋણી છે. જીવદયા ઘરના રાજેન્દ્રભાઇ શાહે પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, રાજુભાઇ ધ્રુવ, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વગેરે  હાજર હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer