વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂ. એક લાખ પડાવવાનો કારસો

વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂ. એક લાખ પડાવવાનો કારસો
માતા-પુત્રી સહિત ત્રણની ધરપકડ: ચણા નાખવા આવતા વૃદ્ધ સાથે ઓળખાણ કેળવીને કારમાં ફોટા પાડીને બદનામ કરવાની ધમકી અપાઇ’તી
રાજકોટ, તા. 5: મોરબી રોડ પર સતનામ પાર્કના કળશ એપાર્ટમેન્ટમાં રહેતા જાળિયાના પૂર્વ સરપંચ એવા પટેલ વૃદ્ધ હંસરાજભાઇ પ્રેમજીભાઇને હનીટ્રેપમાં ફસાવીને રૂ. એક લાખ પડાવવાનો કારસો કરવા અંગે માતા, પુત્રી સહિત ત્રણ મહિલાની પોલીસે ધરપકડ કરી હતી.
આ અંગે દોઢસો ફૂટના રીંગ રોડ પરની ખોડિયાર સોસાયટીમાં રહેતી ચાર્મી રાકેશભાઇ ડોડિયા, તેની માતા ક્રિષ્ના ડોડિયા અને ગોંડલના મોવૈયાની પુજા ઉદયસિંહ ભટ્ટીની  પોલીસે ધરપકડ કરી હતી અને તેની પાસેથી રૂ. 19,500ની રોકડ રકમ, બે મોબાઇલ ફોન અને એક એકસેસ સ્કૂટર મળી કુલ રૂ. 69,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભોગ બનનાર વૃદ્ધ હંસરાજભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદમાં એવો આરોપ મૂકયો હતો કે, તે અપરિણીત  છે અને ઇમિટેશનનું કામ કરે છે. સવા મહિના પહેલા તા. 1-11ના રોજ રેસકોર્સમાં ચણ નાખવા આવ્યા હતાં. ત્યારે ત્યાં ઉભેલી પુજા અને ચાર્મી નામની બે યુવતી સાથે વાતચીત થઇ હતી. એ બન્નેએ તેની સાથે ઓળખાણ કેળવીને મોબાઇલ ફોનના નંબરની આપ-લે કરી હતી. એક દિવસ તેને કારમાં બેસાડીને એ બન્નેએ તેની સાથે ફોટા પાડયા હતાં. એ પછી એ ફોટા મને બતાવીને  બદનામ કરવાની ધમકી આપીને કટકે કટકે રૂ. 50 હજાર પડાવી લીધા હતાં. હવે વધુ રૂ. એક લાખની માગણી કરી છે. આ ફરિયાદના આધારે ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શને પીઆઇ કાતરિયા, પીએસઆઇ રાઠોડ અને તેમના  મદદનીશ દેવશીભાઇ રબારી, અરવિંદભાઇ મકવાણા વગેરેએ તપાસ હાથ ધરીને ખોડિયાર સોસાયટીમાં રહેતી ચાર્મી રાકેશભાઇ ડોડિયા, તેની માતા ક્રિષ્ના ડોડિયા અને ગોંડલના મોવૈયા ગામે રહેતી તેની બહેનપણી પુજા ઉદયસિંહ ભટ્ટીને ઝડપી લીધા હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે પુજાના લગ્ન થયા હતાં પરંતુ તે હાલ પતિને છોડીને અલગ રહે છે. જયારે ચાર્મી તેની માતા સાથે રહે છે. આ ત્રિપુટીએ અન્ય કોઇને ફસાવ્યા છે કે કેમ? તેની વિગત મેળવવા સઘન પૂછપરછ ચાલે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer