ગિરનાર રોપવેનું કામ પૂરજોશમાં :ઉભા કરાઇ રહ્યા છે પીલર

એક હજાર પગથિયાથી વધુ ઉંચાઇ સુધી ટ્રોલીનો ઉપયોગ

જૂનાગઢ, તા.પ: સોરઠની આર્થિક જીવાદોરી સમાન ગિરનાર રોપ-વેનું કામ ઉષા બ્રેકો કંપની દ્વારા પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટ્રેકટ્રોલીની મદદ વડે એક હજારથી વધુ પગથિયા સુધી માલ ચડાવી પીલ્લર ઉભા કરવામાં આવી રહ્યા છે.
એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેની કામગીરી છેલ્લા ચાર-પાંચ માસથી ચાલી રહી છે. અંદાજે સવા બે કિ.મી. લંબાઇના રોપ-વેમાં કુલ નવ આર.સી.સી.ના પીલ્લર બનનાર છે. તે પૈકી એક પીલ્લર તૈયાર થઇ ગયો છે. બીજાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. ભવનાથના લોઅર સ્ટેશન ખાતેથી આ ટ્રેકટ્રોલી દ્વારા સિમેન્ટ, રેતી, કાંકરી, લોખંડ ઉપર ચડાવાય છે.
ઉષા બ્રેકો કંપનીના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગિરનાર રોપ-વેની કામગીરી અલગ-અલગ ચાર તબક્કામાં ચાલી રહી છે. તેમાં લોખર સ્ટેશનથી સિમેન્ટન પીલ્લર ઉભા કરવાની કામગીરી આરંભાઇ છે. અંદાજે 50થી વધુ માણસો કામ કરી રહ્યા છે. આ ટ્રેકટ્રોલીને ઇલેકટ્રીક મોટર વડે અમુક ઉંચાઇ સુધી માલ પહોંચાડવામાં આવશે. જ્યાં સુધી માલ-સમાન પહોંચશે ત્યાં સીમેન્ટના પીલ્લર ઉભા થઇ ગયા બાદ વધારે ઉંચાઇએ આ પીલ્લર વડે માલ પહોંચાડવા માટે રોપ-વે ટ્રોલીનો ઉપયોગ કરાશે.  આ કામગીરી અંગે રોપ-વેના મેનેજર દિનેશ નેગીએ અત્યારે કશું કહેવાનો ઇન્કાર કર્યો હતો. માત્ર કામગીરી ચાલુ છે. તેવો જવાબ જ આપવામાં આવે છે. આ પ્રજાલક્ષી કામગીરી જગજાહેર હોવા છતાં કંપની દ્વારા ગોપનીયતા રાખવામાં આવી રહી છે. તે પણ સૂચક મનાઇ છે.
ગિરનાર રોપ-વેની લાંબી રાહ જોયાં પછી ઉષ બ્રેકો કંપની દ્વારા કામગીરી શરૂ થઇ પણ કંપની કામગીરી અંગે ગોપનીયતા રખાતી હોવાથી લોકો પણ રોપ-વેનું કામ શરૂ થયું કે નહી? તેવા સવાલો કરે છે. ત્યારે આ કામગીરી અંગે પ્રજા અવગત થાય તેમાં કંપનીને વાંધો શું?
રોપ-વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે ગિરનારની મુલાકાતે જનારા તથા ભવનાથવાસીઓ જાણે છે. રોપ-વેની સામગ્રી તળેટીમાં આવી રહી છે. પેસેન્જર ટ્રોલીઓ હજુ ખોલવામાં આવી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer