આજે સોમનાથમાં ‘સી-લિંક પાથ’નું અમીત શાહના હસ્તે ખાતમુહૂર્ત

અમીત શાહ સહપરિવાર સોમનાથ પહોંચ્યા

વેરાવળ, તા.5:  સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બુધવારે સાંજે પરિવાર સાથે સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતાં. સ્થાનિક ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ સોમનાથ ટ્રસ્ટ  સ્વાગત કરાયું હતું. આવતી કાલે પ્રદેશ અધ્યક્ષ પણ સોમનાથ ખાતે આવનાર હોવાની માહિતી મળી છે. જો કે, સોમનાથ ભૂમિ પર રાત્રે સૌરાષ્ટ્ર ભાજપના કાર્યકરો-આગેવાનો સાથે  અમિત શાહ બેઠક કરનાર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત સી-લિંક પાથનું પણ તેઓ  ખાત મુહૂર્ત કરશે તેમ જાણવા મળે છે.
પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવમાં શ્રદ્ધા ધરાવતા અમિત શાહ આજે સાંજે પરિવાર સાથે સોમનાથ ખાતે આવી પહોંચ્યાં હતા. અને રાત્રી રોકાણ સોમનાથ ખાતે કરનાર છે. અમીત શાહ સાથે તેમના પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર  પણ આવ્યા છે. આવતી કાલે તા.6 ના ગુરૂવારે સવારે સોમનાથ ચોપાટી ઉપર રૂા.45 કરોડના ખર્ચે નિર્માણધીન સોમનાથ મંદિર સામે સમુદ્ર કિનારે સી-લિંક પાથનું ખાતમુહૂર્ત કરશે.
સોમનાથ મહાદેવના સાંનિધ્યે રાત્રી રોકાણ દરમ્યાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ સોરઠના ભાજપના મુખ્ય કાર્યકરો-આગેવાનો સાથે બેઠક કરનાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ધોવાણ બાદ ફરી આગામી 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપ મજબૂત બની સોરઠની બેઠક પર જીત મેળવે તે અંગે અમિત શાહ માર્ગદર્શન આપનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દરેક રાજ્યોના ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સોમનાથ મહાદેવને શિશ ઝુકાવવા અચૂક આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer