માનવતાના કાર્યો કરવા પ્રમુખસ્વામીના આશીર્વાદ વરસતા રહેશે: CM

માનવતાના કાર્યો કરવા પ્રમુખસ્વામીના આશીર્વાદ વરસતા રહેશે: CM
રાજકોટમાં સ્વામિનારાયણ નગરમાં ઉર્જા, ઉલ્લાસ, ઉજાસની ત્રિવેણી વચ્ચે 11 દિવસ સુધી ચાલનારા પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવના મુખ્યમંત્રી-મહંતસ્વામી હસ્તે શ્રીગણેશ
રાજકોટ, તા. પ : ‘રાજકોટનું સદ્ભાગ્ય છે કે રાજકોટની ધરતી પર પ્રમુખસ્વામીનો જન્મજયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. રાજકોટના નગરવાસી તરીકે આ ક્ષણે આનંદ-ગૌરવની લાગણી અનુભવું છું. રાજકોટે હંમેશા આધ્યાત્મિક-સામાજિક ચેતનાને પ્રજ્વલ્લીત કરવામાં ઉત્સાહ દેખાડયો છે. આ શુભ દિવસ માટે રાજકોટ ઘણા વખતથી તૈયારી કરતું હતું. પ્રમુખસ્વામીનો રાજકોટ સાથે લગાવ હતો. એમના આશીર્વાદ રાજકોટને મળ્યા છે. તેઓ સદેહે હાજર નથી. પરંતુ ધામમાંથી આપણા પર તેમના આશીર્વાદ વરસતા જ હશે. માનવતાના કાર્યો પરિપૂર્ણ કરવા એમના આશીર્વાદ આપણા પર વરસતા જ રહેશે’ તેમ રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતિ મહોત્સવને ખૂલ્લો મુક્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે આ જન્મોત્સવ બધાના જીવનમાં  પ્રેરણાનું સિંચન કરવા ઉપયોગી બનશે. સ્વામિનારાયણ સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં ઠેર ઠેર મંદિરો કર્યા, અનેકને સંત થવા પ્રેરણા આપી. ઘરબાર ત્યજીને સંત બનીને બધું ન્યોચ્છાવર કરીને સમાજના સુખે સુખી, સમાજના દુ:ખે દુ:ખી એવા માનવકલ્યાણની ભાવનાની આહલેક તેમણે જગાવી. સ્વામિનારાયણ સંપ્રદાયે ગુજરાતમાં સામાજિક-આધ્યાત્મિક ચેતનાનો સંચાર કર્યો. ગુજરાતની ભાવિ પેઢી આમાંથી પ્રેરણા લઈને રાજ્ય-દેશના વિકાસ માટે કામ કરે છે. તેમના સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ જેવા દ્રષ્ટિકોણને કેન્દ્રમાં રાખીએ. આ જન્મોત્સવ લાખો લોકોને પ્રેરણા આપનારો બની રહેશે.
આજરોજ રાજકોટની ભાગોળે મોરબી રોડ પર સૂર્યના સોનેરી કિરણોની સાક્ષીએ મહંત સ્વામી અને મુખ્યમંત્રી રૂપાણીએ પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મોત્સવની ઉજવણી અર્થે પ00 એકરમાં ઉભા કરાયેલા, સ્વામિનારાયણ નગરનું ઉદ્ઘાટન કર્યું હતું. પશ્ચિમી શૈલી રિબીન કાપીને નહીં પરંતુ ભારતીય પરંપરા પ્રમાણે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રીફળ વધેરીને નાડાછડીની ગાંઠ છોડીને 1પમી સુધી ચાલનારા આ મહોત્સવના શ્રીગણેશ કરાયા હતા. આ તકે સ્વામિનારાયણ નગરના પ્રવેશદ્વાર સામે ઉભી કરાયેલી પ્રમુખસ્વામી મહારાજની ર7 ફૂટની લાક્ષણિક મુદ્રા સાથેની સૌમ્યમયી મૂર્તિની પૂજા કરાઈ હતી ત્યારબાદ પરમાનંદ ડોમ ખાતે પ્રમુખસ્વામીના વ્યસનમૂક્તિ અભિયાનથી લોકોમાં આવેલા સકારાત્મક પરિવર્તન, આતંકવાદ સામેના તેમના વિચારો વગેરેનું નિદર્શન કરતી ફિલ્મ મહંત સ્વામી, મુખ્યમંત્રી, ડોક્ટર સ્વામી તેમજ સંતો-મહંતો, પાર્ષદો અને સ્વયંસેવકોએ સાથે બેસીને નિહાળી હતી.
શ્રી મહંત સ્વામીએ જણાવ્યું હતું કે ‘આ મહોત્સવમાં હું અવશ્ય આવીશ એવું વચન વિજયભાઈએ આપ્યું હતું. જે તેમણે નિભાવ્યું છે. તેમણે આ મહોત્સવમાં ખૂબ સહકાર આપ્યો છે. પ્રમુખસ્વામીએ લોકો માટે ખૂબ કર્યું છે. સ્વામીબાપાને નાત-જાતના ભેદ ન હતા. લોકો રાજી રહે તેવી શુભ ભાવના તેમનામાં ભરપુર હતી. તેઓ ઉપરથી આપણને આશીર્વાદ આપી રહ્યા છે. આપણે તેમના ગુણ જીવનમાં લાવીએ. તેમના ચીલે જઈએ તો બધી રીતે સુખી થઈશું’. મહંત સ્વામીએ મુખ્યમંત્રીને શાલ અને ભગવાન સ્વામિનારાયણનું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું.
આ તકે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સંતગણ, સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં સવારે મહોત્સવનું લોકાર્પણ કરાયા બાદ બપોરે ર વાગ્યાથી જાહેર જનતા માટે મહોત્સવમાં પ્રવેશ શરૂ કરાયો હતો. સાંજ સુધીમાં જિલ્લાની શાળાના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ સહિત દોઢ લાખથી વધુ ભાવિકોએ મહોત્સવની મુલાકાત લીધી હતી. લાઈટ એન્ડ સાઉન્ડ શોથી લોકો અભિભૂત થયા હતા. સાંજે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ સ્વામિનારાયણ નગરની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે મહોત્સવ સ્થળે બપોર અને રાત્રે દરેક ભાવિકો માટે ભોજન પ્રસાદની નિ:શુલ્ક વ્યવસ્થા રાખવામાં આવી છે.
22 હજાર સ્વયંસેવકો, 800 સંતો-મહંતો
આ મહોત્સવમાં સેવા આપવા સૌરાષ્ટ્રભરમાંથી રર હજાર જેટલા પુરુષ-મહિલા સ્વયંસેવકોએ આશરે એક વર્ષથી જહેમત ઉઠાવી છે. પ્રમુખસ્વામીના જન્મોત્સવમાં સહભાગી થવા દેશ-વિદેશમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાંથી 800 જેટલા સંતો રાજકોટ પધાર્યા છે. ઉપરાંત વિશ્વભરમાં વસેલા સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવકો પણ 1પમી ડિસેમ્બર સુધીમાં રાજકોટ આવશે.
આજે-બીજા દિવસના કાર્યક્રમો
પ્રમુખસ્વામી મંડપમાં યોજાશે વિરાટ મહિલા સંમેલન
પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના વર્તમાન ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિ
પપ0થી વધુ મહિલાઓ, યુવતીઓ અને બાલિકાઓ કરશે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ
સાંજે 7 : 30થી 10 :30 દરમિયાન દર કલાકે લાઈટ એન્ડ સાઉન્ડ શો
સવારે 7થી બપોરે 1 સુધી રાજકોટ જિલ્લાની 1400 શાળાઓના વિદ્યાર્થીઓને સ્વામિનારાયણનગરની મુલાકાત, દર્શન અને ભોજનપ્રસાદ 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer