રાફેલ મુદ્દે વડા પ્રધાનને ઘેરનાર કોંગ્રેસ હવે ‘બૅકફૂટ’ પર આવી અગસ્તા વેસ્ટલૅન્ડનો ‘વચેટિયો’ મિશેલ સીબીઆઇ કસ્ટડીમાં

રાફેલ મુદ્દે વડા પ્રધાનને ઘેરનાર કોંગ્રેસ હવે ‘બૅકફૂટ’ પર આવી  અગસ્તા વેસ્ટલૅન્ડનો ‘વચેટિયો’ મિશેલ સીબીઆઇ કસ્ટડીમાં
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 5 : રફાલ સોદામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે મોરચો માંડનારી કૉંગ્રેસ હવે બૅકફૂટ પર આવી ગઈ છે, કારણ કે દુબઈથી જેનું પ્રત્યાર્પણ કરાયું છે તે ક્રિશ્ચિયન મિશેલની ધરપકડ સાથે કૉંગ્રેસની મુસીબતો વધી શકે છે અને એનો આધાર મિશેલની તપાસમાં શું બહાર આવે છે એના પર રહેલો છે.  ક્રિશ્ચિયન મિશેલને દુબઈથી ભારત લઈ અવાયા બાદ આજે બુધવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મિશેલને પાંચ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલ્યો હતો. કોર્ટમાં સીબીઆઈ તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ ડીપી સિંહ હાજર રહ્યા હતા અને સીબીઆઈ તરફથી કસ્ટડીની માગણી કરી હતી.
મિશેલના પ્રત્યાર્પણ વિશે રાજસ્થાનની એક રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તમે જોયું હશે કે અમે કેવી રીતે વીવીઆઇપી ચૉપર સ્કૅમના વચેટિયાને પકડી લીધો છે અને તેને દુબઈથી દિલ્હી લઈ આવ્યા છીએ. કૉંગ્રેસના કબાટમાંથી હવે કેવાં હાડપિંજરો નીકળે છે એ આપણે જોઈશું. વડા પ્રધાનના આ નિવેદન પરથી એવો સંકેત મળે છે કે તપાસ બાદ કૉંગ્રેસની મુસીબતો વધી
શકે છે.
આ બનાવથી કૉંગ્રેસને ઘેરીને એને વિપક્ષોમાં એકલી પાડવા ભાજપ તમામ પ્રયાસો કરશે અને આવતા સપ્તાહથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં કૉંગ્રેસ સામે ખુલ્લા પ્રહારો કરશે.
યુપીએ શાસન દરમિયાન અગસ્તા વેસ્ટલૅન્ડ ચૉપર સોદામાં કહેવાતા વચેટિયા મિશેલને દુબઈએ ભારતને સોંપ્યો છે અને દિલ્હીની કોર્ટે તેને સીબીઆઇના કબજામાં પાંચ દિવસ સુધી મોકલી દીધો છે. વિદેશપ્રધાન સુષમા સ્વરાજે અબુધાબીમાં તેમના યુએઈના સમોવડિયા અબદુલ્લાહ બિન ઝાયેદ સાથે મંત્રણા કરી એ જ દિવસે મિશેલનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.
ડૉ. મનમોહન સિંઘની આગેવાની હેઠળની સરકાર જ્યારે સત્તા પર હતી ત્યારે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાનો અને અન્ય વીઆઇપીઓ માટે 12 લક્ઝરી હેલિકૉપ્ટરોની ખરીદી કરવામાં આવી હતી એ સોદો અગસ્તા વેસ્ટલૅન્ડ કેસ તરીકે જાણીતો છે.
2014માં સરકારે આ સોદો એવા આક્ષેપો વચ્ચે રદ કર્યો હતો કે અગસ્તા વેસ્ટલૅન્ડની પેરન્ટ કંપની ફિન્મેકેનિલ ઇટલીમાં લાંચના આરોપોનો સામનો કરી રહી હતી અને એણે ભારતમાં કટકી ચૂકવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કટકી તરીકે અગસ્તા વેસ્ટલૅન્ડ પાસેથી 225 કરોડ રૂપિયા લીધા હોવાનો મિશેલ પર આરોપ મૂક્યો હતો. આ કેસમાં ગુઇડો હસ્કે અને કાર્લો ગેરોસા સાથે ત્રીજા વચેટિયા તરીકે મિશેલની તપાસ કરવામાં આવી રહી છે.
ભારતે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે શરૂ કરેલી આવી જ પ્રત્યાર્પણની કાર્યવાહીમાં પ્રથમ વાર એક સફળ પ્રત્યાર્પણના રૂપમાં મિશેલને ભારત લાવી શકાયો છે. સીબીઆઇના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભલના માર્ગદર્શન હેઠળ વચેટિયા મિશેલનઇં આ પ્રત્યાર્પણ પાર પાડવામાં આવ્યું છે અને આ કાર્યવાહીમાં સીબીઆઇના ઇન્ચાર્જ એમ. નાગેશ્વર રાવનું સંકલન રહ્યું હતું.
મિશેલના પ્રત્યાર્પણ માટે જૉઇન્ટ ડિરેક્ટર એ. સાઇ. મનોહરની આગેવાની હેઠળની સીબીઆઇની ટીમને દુબઈ મોકલવામાં આવી હતી.
મિશેલના પ્રત્યાર્પણ માટે ભારતે સત્તાવાર રીતે યુએઈને 2017માં વિનંતી કરી હતી.
યુવા કૉંગ્રેસે મિશેલના વકીલને પક્ષમાંથી હાંકી કાઢ્યા
નવી દિલ્હી, તા. 5 : અગસ્તા વેસ્ટલૅન્ડ ચૉપર ડીલમાં કથિત વચેટિયા કિશ્ચિયન મિશેલના વકીલ તરીકે અદાલતમાં રજૂ થનાર અલિયો કે. જોસેફને કોંગ્રેસે પક્ષમાંથી પાણીચું આપ્યું છે. યુવા કૉંગ્રેસે કહ્યું હતું કે પક્ષ સાથે વિચારવિમર્શ કર્યા વિના મિશેલનો કેસ લેવા બદલ તેમને તત્કાળ પક્ષમાંથી બરતરફ કરાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer