RBI વ્યાજદર ઘટાડે તો લોન આપોઆપ સસ્તી થશે !

RBI વ્યાજદર ઘટાડે તો લોન આપોઆપ સસ્તી થશે !
 લેતી કેન્દ્રીય બેન્ક:
1 એપ્રિલથી અમલ થશે
નવીદિલ્હી, તા.પ : રિઝર્વ બેન્કે હોમ, ઓટો અને પર્સનલ લોન સંબંધિત એક નિયમમાં મોટો સુધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમ અંતર્ગત આરબીઆઈ વ્યાજદરો ઉપર કોઈપણ નિર્ણય કરે એટલે તુર્ત જ બેન્કોએ પણ લોનનાં વ્યાજદરમાં સુધારો કરવો પડશે. તેનો મતલબ એવો થાય કે કેન્દ્રીય બેન્ક રેપો રેટમાં ઘટાડો કરે તો બેન્કોએ ધિરાણ સસ્તુ કરવું પડશે. આ નવો નિયમ 1 એપ્રિલ 2019થી અમલી બનશે. આરબીઆઈએ આ નિર્ણય ડૉ. જનક રાજની અધ્યક્ષતામાં રચાયેલા અભ્યાસ સમૂહની ભલામણનો સ્વીકાર કરતાં લીધો છે.
શું છે નવો નિર્ણય ?
ભારતીય રિઝર્વ બેન્કે કરજદાર માટે વિભિન્ન શ્રેણીનાં ચલિત વ્યાજદર હવે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલા રહેશે. આરબીઆઈએ એમસીએલઆરને એક્સટર્નલ બેન્ચમાર્કથી તબદિલ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આનાથી નીતિગત વ્યાજદરોમાં બદલાવનો સીધો લાભ બેન્કનાં ગ્રાહકોને મળશે.
શું થશે અસર ?
સામાન્ય રીતે લોનધારકોની ફરિયાદ રહેતી હોય છે કે બેન્કો વ્યાજદર નિર્ધારણમાં પારદર્શક રહેતી નથી. રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવે તો પણ તેનો પૂરો લાભ ગ્રાહકોને આપવામાં આવતો નથી. પરંતુ આ નવી વ્યવસ્થા લાગુ થતાં ગ્રાહકોની આ ફરિયાદનું નિવારણ થશે. જેની સીધી અરસ હોમ, ઓટો અને પર્સનલ લોનાં ગ્રાહકો ઉપર થશે.
EMI ઘટાડાની આશા ઠગારી
રિઝર્વ બેન્કે ચુસ્ત વલણ જાળવી રાખ્યું: ચાવીરૂપ વ્યાજદરો યથાવત
નવીદિલ્હી,તા.પ: રિઝર્વ બેન્ક ઓઈ ઈન્ડિયા (આરબીઆઈ)એ ચાવીરૂપ વ્યાજદરો યથાવત જાળવી રાખ્યા છે. જેથી લોનધારકોની ઈએમઆઈમાં રાહત મળવાની આશા ફરી એકવાર ઠગારી નિવડી છે. કેન્દ્રીય બેન્ક દ્વારા સતત પાંચમી દ્વિમાસિક નાણાનીતિની સમીક્ષામાં ચુસ્ત વલણ અપનાવી રાખ્યું છે. નાણાનીતિ સમિતિનાં છમાંથી પાંચ સદસ્યોએ વ્યાજદરો યથાવત રાખવાની તરફેણ કરી હતી.
નાણા નીતિ સમિતિની ત્રિદિવસીય બેઠકમાં રેપો રેટ 6.પ ટકા અને રિવર્સ રેપો રેટ 6.2પ ટકા જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે લિક્વિટિટી આઉટફ્લો વધારવા માટે એસએલઆરમાં 0.2પ ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રમાણ મુજબની રાશિ બેન્કોએ કેન્દ્રીય બેન્કમાં જમા રાખવાની હોય છે. જ્યારે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં કોઈપણ બદલાવ કરવામાં આવ્યો નથી. રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિદર 7.4 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. જ્યારે ચાલુ વર્ષનાં બીજા છ માસિક (ઓક્ટોબર-માર્ચ) દરમિયાન મોંઘવારીનો દર 2.7થી 3.2 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. હવે નાણાનીતિ સમિતિની આગામી એટલે કે છઠ્ઠી બેઠક પાંચથી 7 ફેબ્રુઆરી દરમિયાન મળશે.
જીડીપી વૃદ્ધિની રફતાર
કેન્દ્રીય બેન્કે નાણાનીતિની સમીક્ષામાં જીડીપી વૃદ્ધિની રફતાર 7.4 ટકા જેટલી રહેશે તેવો અંદાજ લગાવ્યો છે. આમાં બીજા ત્રિમાસિક ગાળમાં જીડીપીની વૃદ્ધિ 7.2થી 7.3 ટકાનાં દરે થાય તેવું અનુમાન છે. જ્યારે આગામી નાણાકીય વર્ષમાં પ્રથમ છ માસનાં સમયગાળામાં તેમાં 0.1 ટકા જેટલો વધારો થઈને 7.પ ટકા આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે સમિતિએ આમાં ઘટાડો થવાની આશંકા પણ વ્યકત કરેલી છે.
મોંઘવારી વધારે તેવા જોખમો
- કેટલીક ખાદ્યચીજોનાં ભાવ અસાધારણ રીતે નીચલા સ્તરે છે અને તેમાં ઓચિંતો ઉછાળો સંભવ છે.
- જુલાઈમાં કૃષિ પાકોનાં ટેકાના ભાવ વધારવાની જાહેરાતની અસર જુલાઈમાં જોવા મળી નથી પણ આવનારા સમયમાં તે દેખાઈ શકે છે.
- ક્રૂડતેલનાં ભાવ અંગે પણ વૈશ્વિક અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
- રાજ્ય સરકારનાં કર્મચારીઓનાં ઘરભાડા ભથ્થામાં વધારો થવાથી પણ મોંઘવારી વધવાની ગુંજાઇશ છે.
મોંઘવારી કાબૂમાં પણ ખતરો યથાવત
નાણાનીતિની સમીક્ષા માટે ત્રણ દિવસીય બેઠક બાદ રિઝર્વ બેન્કે મોંઘવારી ઘટવાની આશા વ્યક્ત કરી છે. ઓક્ટોબર માસની સમીક્ષામાં મોંઘવારી વધારે તેવા જે જોખમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેનો ખતરો હવે ટળી ગયો છે. જો કે હજી પણ કેટલીક અનિશ્ચિતતાનાં કારણે મોંઘવારી વધી શકે તેમ હોવાનું કહેવામાં આવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer