સરકાર ડિજિટલ કરન્સી લાવવાની તૈયારીમાં ?

સરકાર ડિજિટલ કરન્સી લાવવાની તૈયારીમાં ?
 આભાસી ચલણ બનશે વાસ્તવિક ! :  નાણાની જેમ જ કામ કરશે પણ તેનાં ઉપર વ્યાજ મળશે
નવીદિલ્હી,તા.પ: નોટબંધી જેવું જ વધુ એક આક્રમક આર્થિક પગલું ભરવાની તૈયારીમાં સરકાર છે. જો બધુ જ યથોચિત્ત પાર પડશે તો સરકાર કાગદી નાણાંની તર્જ ઉપર ડિજીટલ કરન્સી (ચલણ) જારી કરશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આનાં માટે અત્યંત ઝડપથી કામ ચાલી રહ્યું છે.
આ ડિજીટલ કરન્સી કાગદી નાણાની જેમ જ કામ કરશે. તેમાં ફર્ક માત્ર એટલો હશે કે તેનાં ઉપર વ્યાજ પણ મળશે. જો આ ચલણ પ્રચલનમાં આવે તો અર્થતંત્રમાં ધરખમ ફેરફાર આવશે. પ્રસાર માધ્યમોનાં અહેવાલો અનુસાર આર્થિક બાબતોનાં સચિવનાં વડપણ હેઠળ બનેલી સમિતિએ પોતાનો મુસદ્દો કેન્દ્ર સરકારને સોંપી દીધો છે અને તેમાં આવી અનેક મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી છે. જેની સૌથી મહત્ત્વની ભલામણ ઈ-કરન્સી જારી કરવા સંબંધિત છે.
મોબાઈલ વોલેટમાં રહેશે ડિજિટલ નોટ
એક પ્રકારે આ ચલણ તાજેતરમાં જ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવનાર ગેરકાનૂની બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીની (આભાસી ચલણ) જેમ જ કામ કરશે. જેને મોબાઈલ વોલેટમાં સંગ્રહી શકાશે. જેનાં ઉપર રિઝર્વ બેન્કનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે.
બે પ્રકારની નોટ
સમિતિનાં સૂચન અનુસાર બે પ્રકારની નોટ જારી કરી શકાય. એક એવી નોટ જેનાં ઉપર વ્યાજ મળે અને બીજી નોટ કે જેનું મૂલ્ય સ્થિર રહે. એટલે કે જેનાં ઉપર વ્યાજ ન મળે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer