રૂ. ત્રણ લાખની લાંચના છટકામાં કલ્યાણપુરના ફોજદાર સપડાયાં

રૂ. ત્રણ લાખની લાંચના છટકામાં કલ્યાણપુરના ફોજદાર સપડાયાં
નિવૃત્ત આર્મીમેનની જમીનમાં થયેલ દબાણ દૂર કરાવી દેવાના બદલામાં લાંચ માગી’તીભાટિયા/દ્વારકા, તા. 5: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામના પીએસઆઇ શૈલેન્દ્રસિંહ સુરેશસિંહ ભદોરિયા રૂ. ત્રણ લાખની લાંચ લેવાના આરોપસરના છટકામાં સપડાયાં હતાં.

નિવૃત્ત આર્મીમેનને સરકાર તરફથી સાંથણીની ખેતીની જમીન મળી હતી. આ જમીન પૈકીની કેટલીક જમીન પર અન્ય લોકોએ દબાણ કર્યું હતું. કલ્યાણપુરના મામલતદારે દબાણગ્રસ્ત જમીન સિવાયની જમીનનો કબજો સોંપી આપ્યો હતો.આ જમીન પરના બાવળ દૂર કરીને ફેન્સીંગ બાંધવાનું કામ શરૂ કરાયું હતું. તેની સામે દબાણકારો દ્વારા અડચણ ઉભી કરવામાં આવતી હતી. આ બાબતે કલ્યાણપુર પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જમીન પર દબાણ દૂર કરાવી તથા અડચણનું કામ કરાવી આપવાના બદલામાં કલ્યાણપુર પોલીસ મથકના ફોજદાર (પીએસઆઇ) શૈલેન્દ્રસિંહ સુરેશસિંહ ભદોરિયાએ રૂ. ત્રણ લાખની લાંચની માગણી કરી હતી. લાંચની રકમ આપવી ન હોવાથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ અંગે રાજકોટ બ્યુરોના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ પીઆઇ સી.જે. સુરેજા અને તેની ટીમે  છટકુ ગોઠવ્યું હતું. જેમાં પોલીસ સ્ટેશનમાં જ લાંચની રકમ સ્વીકારતા પીએસઆઇ શૈલેન્દ્રસિંહ ભદોરિયા ઝડપાઇ ગયા હતાં. તેની પાસેથી લાંચની રકમ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer