આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ

આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ
 વિદેશમાં ફ્લોપ શોનું કલંક ધોવા મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ: 70 વર્ષમાં પહેલી વખત ઓસિની ધરતી ઉપર શ્રેણી વિજયનું લક્ષ્ય
એડિલેડ, તા. 5: આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ગુરુવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી માટે ઉતરશે ત્યારે ટીમનું લક્ષ્ય વિદેશી ધરતી ઉપર નોંધપાત્ર પ્રદર્શન સાથે 70 વર્ષમાં પહેલી વખત ઓસિ.માં શ્રેણી જીતવાનું પણ રહેશે. આ અગાઉ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતને 1-2 અને ઈંગ્લેન્ડ સામે 4-0થી હારનો સામનો કરવો પડયો હતો ત્યારે હવે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પ્રતિષ્ઠના જંગ સમાન બની રહેશે.
વિરાટ કોહલીની ટીમ ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી જીતીને વિદેશમાં ફ્લોપ શોનું કલંક દૂર કરવાનો પ્રયાસ કરશે. દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટધર તરીકે પોતાને સ્થાપિત કર્યા બાદ હવે કોહલી પાસે શ્રેણી જીતવાનો સોનેરી મોકો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારત અન્યાર સુધી 44 ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાંથી જીત માત્ર 5 ટેસ્ટ મેચમાં મળી છે. છેલ્લાં 70 વર્ષમાં 11 પ્રવાસ દરમિયાન ભારતે બે વખત શ્રેણી ડ્રો કરવામાં સફળતા મેળવી છે. પહેલા સુનીલ ગાવસ્કરની કેપ્ટનશિપમાં 1980-81માં અને સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં 2003-04માં શ્રેણી ડ્રો થઈ હતી. ભારતીય ટીમ મેચમાં આક્રમક રમત બતાવવા માગશે પણ 12 ખેલાડીઓમાં હનુમા વિહારી અને રોહિત શર્માની હાજરી 20 વિકેટ લેવા માટે પાંચ બોલરોને મેદાનમાં ઉતારવાની રણનીતિમાં બદલાવનો સંકેત છે.  જ્યારે ભારત સામે બે પડકાર છે. જેમાં એક તો બેટિંગમાં કોહલી ઉપરની નિર્ભરતા ઓછી કરવી પડશે. કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે 286 રન કર્યા હતા. જ્યારે પુજારા 100 અને મુરલી વિજય 102 રન જ કરી શક્યા હતા. તેમાં પણ ભારતે છેલ્લી આઠ ટેસ્ટમાં ચાર અલગ અલગ ઓપનિંગ જોડી મેદાનમાં ઉતરી હતી અને હવે ઓસ્ટ્રેલિયા સામે તમામ બેટ્સમેન ઉપર નોંધપાત્ર પ્રદર્શન કરવાનું દબાણ છે.
ભારત-ઓસ્ટ્રેલિયા
સમય : સવારે 5.30
સ્થળ : એડિલેડ ઓવલ સ્ટેડિયમ

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer