રાજકોટમાં શ્રીશ્રી રવિશંકરના સાંનિધ્યે ધર્મ-સત્સંગ

રાજકોટમાં શ્રીશ્રી રવિશંકરના સાંનિધ્યે ધર્મ-સત્સંગ
મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ, શ્રી શ્રીનાં બહેન સહિત આં.રા. પ્રશિક્ષકો આવ્યા
50 હજાર અનુયાયીઓની હાજરીમાં અષ્ટલક્ષ્મી હવન સાથે
દિવાળીની ઉજવણી
રાજકોટ, તા. 7: આધ્યત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે રાજકોટવાસીઓનો દિવાળીની ઉજવણીનો આનંદ બેવડાયો હતો. આજે રાજકોટમાં રેસકોર્સ ખાતે શ્રી શ્રીનાં સાન્નિધ્યમાં અષ્ટલક્ષ્મી હવન તથા મહાસત્સંગનું આયોજન થયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.
શ્રી શ્રી રવિશંકર નવ વર્ષ બાદ રાજકોટ આવ્યા છે. રેસકોર્સ ખાતે અષ્ટલક્ષ્મી હવન તથા પૂજા - મહાસત્સંગ કાર્યક્રમ માટે 10 હજાર સ્કવેરફૂટમાં વિશાળ સ્ટેજ બનાવ્યું હતું. આ તકે ગુજરાતમાં 1800થી વધુ આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષકોમાંથી મોટાભાગના શ્રી શ્રીની ઉપસ્થિતિ અને તેમના સકારાત્મક વિચાર વચનોનો લાભ લેવા રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટના કાર્યક્રમ માટે વિદેશથી ખાસ આંતરરાષ્ટ્રીય પ્રશિક્ષકો શ્રી શ્રીનાં બહેન ભાનુદીદી, વિક્રમ હઝરા, ઋષિ નિત્યપ્રજ્ઞાજીએ પ્રેરક ઉપસ્થિતિ આપી હતી. રેસકોર્સમાં કાર્યક્રમ નિર્ધારિત સમય કરતા એક કલાક મોડો સાડા છ વાગ્યા પછી શરૂ થયો હતો. અષ્ટલક્ષ્મી હવનમાં ધન, ધાન્ય, હિંમત, જ્ઞાન, સફળતા, સંતાન, સદ્ભાગ્ય, શક્તિનો સમાવેશ થાય છે. જેના થકી આઠ પ્રકારનાં વૈભવ - લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. રાજકોટના આંગણે આ પ્રકારના દિવ્ય ધર્મકાર્ય થકી ભૂમિ અને વાતાવરણમાં એક પ્રકારની સકારાત્મક ઊર્જાનો સંચાર થશે તેવું અનુયાયીઓનું માનવું છે. આ તકે આર્ટ ઓફ લિવિંગ અને રાજકોટ મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે કચરો ભરવા માટેના 3પ હજાર પાકિટનું વિતરણ કરાયું હતું તેમજ સ્વચ્છતા સહિતની બાબતે લોકોને જાગૃત કરાયા હતા.
દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં રૈયાધાર સ્લમ વિસ્તારનાં બાળકો સાથે દિવાળી ઉજવી રેસકોર્સ ખાતે આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા. આ તકે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી કાર્યક્રમ બાદ ગાંધીનગર જવા રવાના થયા હતા જ્યારે શ્રી શ્રીએ રાજકોટમાં જ એક અનુયાયીના ઘરે રાત્રી રોકાણ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer