આજથી માધ્યમિક, કાલથી પ્રાથમિક વિભાગમાં પરીક્ષા

આજથી માધ્યમિક, કાલથી પ્રાથમિક વિભાગમાં પરીક્ષા
નવરાત્રિ વેકેશન બાદ તુરંત પરીક્ષા આવી જતાં પરિણામ પર અસર થશે ?
રાજકોટ, તા. ર1: નવરાત્રિની રજાઓ પૂરી થતાંની સાથે જ સત્રાંત પરીક્ષાઓ મોં ફાડીને આવી પહોંચી છે. આવતીકાલ તા. રરમીથી ગુજરાત બોર્ડ સંલગ્ન સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓમાં ધોરણ 8થી 10ની માધ્યમિક વિભાગની પરીક્ષા તેમજ તા. ર3મીથી પ્રાથમિક શાળામાં ધોરણ 3થી 8ની પરીક્ષાનો રાઉન્ડ શરૂ થશે.
  પ્રાથમિક વિભાગની પરીક્ષા 1લી નવેમ્બર સુધી ચાલશે. તારીખ 3જી નવેમ્બરથી શાળાઓમાં વેકેશન જાહેર થવાનું હોવાથી હવે પછીના દિવસો શાળાકીય વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના બની રહેશે. નોંધનીય છે કે ગુજરાત બોર્ડની તમામ સ્કૂલોમાં પહેલી વખત નવરાત્રિની રજાઓ જાહેર કરવામાં આવી હતી. જે પૂરી થતાની સાથે જ પરીક્ષાઓ આવી ચડતા વિદ્યાર્થીઓનાં પરિણામ પર આ વેકેશનની કેવી અસર પડશે તેવી ચર્ચા શૈક્ષણિક જગતમાં ચાલી રહી છે. સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા પણ પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે દિવાળી પહેલા પૂરી થઈ જાય તે રીતના ટાઈમ ટેબલથી પરીક્ષાનું આયોજન કરાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer