વેરાવળના કુકરાશ ગામના યુવાનની હત્યા અંગે પ્રેમિકાના ભાઇ સહિત ત્રણની ધરપકડ

વેરાવળના કુકરાશ ગામના યુવાનની હત્યા અંગે પ્રેમિકાના ભાઇ સહિત ત્રણની ધરપકડ
વેરાવળ, તા. 21: વેરાવળ તાલુકાના કુકરાશ ગામના  ગિરીશ માલાભાઇ સોલંકી નામના યુવાનની હત્યા કરવા અંગે પ્રેમિકાના ભાઇ સહિત ત્રણની પોલીસે ધરપકડ કરી હતી. ત્રણેયને ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા હતાં.
કુકરાશ ગામે રહેતો ગિરીશ સોલંકી અને  તેનો ભાઇ અક્ષય છ દિવસ પહેલા રાતના કોડીદ્રા ગામે ગરબી જોવા ગયા હતા. આ વખતે ગિરીશને કોડીદ્રા ગામે રહેતી તેની પ્રેમિકાના ભાઇ સહિત પરિવારજનોને  લાકડાથી માર માર્યો હતો. ભાઇને માર પડતો જોઇને  અક્ષય નાસી ગયો હતો અને ઘેર એકલો ગયો હતો. બે દિવસ બાદ શુક્રવારે સાંજે કુકરાશ ગામ પાસે અંબુજા કંપનીની માઇનીંગ લીઝના પાણી ભરેલા ખાડામાંથી ગિરીશની લાશ મળી આવી હતી. તેના પરિવારજનોએ હત્યાની શંકા વ્યકત કરી હતી.આ અંગે ડીવાયએસપી એમ.એમ. પરમારના માર્ગદર્શન હેઠળ પીઆઇ ખુમાણ અને તેના સ્ટાફે જુદી જુદી ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં મૃતક ગિરીશ સોલંકીને કોડીદ્રા ગામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બન્ને અવારનવાર ફોન પર વાત કરતાં હતાં. તેની જાણ યુવતીના પરિવારજનોને થઇ ગઇ હતી. તા.17મીએ ગિરીશ અને તેનો ભાઇ અક્ષય બાઇક પર કોડીદ્રા ગામે ગરબી જોવા માટે આવતા હતાં ત્યારે રસ્તામાં યુવતીના ભાઇ હેમંત રાજા પાતળ, પિતરાઇ ભાઇ કાનજી પીઠાભાઇ પાતળ અને ડાહ્યા પીઠાભાઇ પાતળે તેને અટકાવીને તેના પર લાકડી અને ધોકાથી હુમલો કર્યો હતો અને બાઇકને સળગાવી દીધું હતું. હુમલામાં ગિરીશનું મૃત્યુ થયું હતું. બાદમાં તેની લાશને માઇન્સના ખાડામાં ફેંકી દઇને નાસી ગયાનું ખુલ્યું હતું. આ વિગતના આધારે પોલીસે પ્રેમિકાના ભાઇઓ હેમંત, કાનજી અને ડાહ્યાની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer