બકરાનું મારણ કરનાર સાવજ ઉપર ક્રૂરતા

બકરાનું મારણ કરનાર સાવજ ઉપર ક્રૂરતા
ખાંભા પંથકમાં માલધારીએ સિંહણને કુહાડીના ઘા ઝીકી દીધા
 દશરથસિંહ રાઠોડ
ખાંભા, તા. 21: સિંહણ પર માનવજાત દ્વારા હુમલો કરવાની ખાંભા પંથકમાં પ્રથમ ઘટના બની છે. ખાંભા તુલસીશ્યામ રેન્જના ખડાધાર ગામના ઢેઢિયા વિસ્તારમાં સિંહણે બકરાનો શિકાર કર્યો તો માલધારીએ સિંહણને કુહાડીના ચાર ઘા ઝીંકી દેતા વન વિભાગે એક આરોપીની પૂછપરછ અર્થે ધરપકડ કરી છે.
ખાંભા તુલસીશ્યા રેન્જના ખડાધાર ઢેઢિયા વિસ્તારમાં એક સિંહણ ગંભીર ઇજાથી ઘવાયેલી હાલતમાં હોવાની બાતમી વન વિભાગને મળતા વનવિભાગ આર.એફ.ઓ. પરિમલ પટેલ તેમજ જુનેજા, ડોડિયા, પરમાર સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે સિંહણ સ્થળ પર હતી અને સિંહણને માથાના ભાગે તેમજ પીઠના ભાગે ગંભીર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. બાદમાં વન વિભાગે સિંહણને સારવાર આપી હતી.
સિંહપ્રેમીઓ અને લોકોમાં આ ઘટના બાદ રોષ ફેલાયો હતો. ત્યારે સિંહો માનવજાત દ્વારા હુમલો કરવાની આ પ્રથમ ઘટના હોય પરંતુ મળતી માહિતી મુજબ પશુપાલક દ્વારા પોતાના બકરા સિમ વિસ્તારમાં ચરાવતા હોય ત્યારે એક સિંહ દ્વારા આ બકરાનો શિકાર કરી લઇ જતા માલધારી પશુપાલકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. શિકારની મિજબાની માણતી સિંહણ પર આ માલધારી પશુપાલકે પાછળથી સિંહણ પર કુહાડીના ઘા કરતા સિંહણ ઇજાગ્રસ્ત બની હતી. વન વિભાગ દ્વારા ડોકટર સાથે સિંહણનું રેસ્કયુ કરી સિંહણને સારવાર અર્થે આંબરડી પાર્ક ખસેડવા આવી હતી. હાલ સૅંહણને ઇજા વધુ હોવાથી વન વિભાગે સિંહણને બચાવવાના પૂરતા પ્રયત્નો થઇ રહ્યા છે. વન વિભાગના એસીએફ પરમાર દ્વારા સિંહણ પર હુમલો કરનાર શખસને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
ધારી ગીર પૂર્વમાં થોડા દિવસ પહેલાં એક જ દલખાણીયા રેન્જમાં 23 જેટલા સિંહોના મોત નિપજ્યા છે. ત્યારે સિંહપ્રેમીઓ અને લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે સિંહો પર માનવ જાત દ્વારા હુમલો કરવાની આ પ્રથમ ઘટના હોય અને આમ સિંહો પર માનવજાત દ્વારા હુમલાઓ થશે તો સિંહોની આબાદી પર ખતરો ઉભો થશે અને એક દિવસ સિંહોનું સ્થળાંતર થતા વાર નહીં લાગે માટે એશિયાટીક સિંહો ગુજરાત માટે ભારત દેશનું ઘરેણું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer