નેતાજી મુદ્દે આક્ષેપબાજી : તમે મને ‘બોઝ’ આપો, હું તમને ‘ટોણા’ મારીશ!

નેતાજી મુદ્દે આક્ષેપબાજી : તમે મને ‘બોઝ’ આપો, હું તમને ‘ટોણા’ મારીશ!
આઝાદ હિન્દ ફોજની સ્થાપનાનાં 75 વર્ષ નિમિત્તે મોદીએ ત્રિરંગો લહેરાવી કોંગ્રેસ પર નિશાન તાક્યું

નવી દિલ્હી, તા. 21: આઝાદ હિન્દ ફોજની સ્થાપનાનાં 75 વર્ષ ઉપર આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપર તિરંગો ફરકાવ્યો હતો. મોદીએ કાર્યક્રમ દરમિયાન પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, 75 વર્ષ પહેલા દેશની બહાર બનેલી આઝાદ હિંદ સરકાર અખંડ ભારતની સરકાર હતી. અવિભાજિત ભારતની સરકાર હતી. આ સાથે મોદીએ પોતાનાં સંબોધનમાં કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા.  મોદીએ ગાંધી પરિવાર ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે, એક પરિવારને મોટો બનાવવા માટે દેશના અનેક સપૂતો પછી ભલે તેઓ સરદાર પટેલ હોય કે બાબા સાહેબ આંબેડકર તેમની જેમ જ નેતાજીના યોગદાનને ભુલાવવાનો પ્રયાસ થયો હતો. પીએમ મોદીએ સંબોધનમાં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું નામ લીધા વિના કહ્યું હતું કે, આઝાદી બાદ જો પટેલ કે બોઝનું નેતૃત્વ મળ્યું હોત તો પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. આ સાથે મોદીએ દેશવાસીઓને આઝાદ હિંદ સરકારનાં 75 વર્ષ પૂર્ણ થવાની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ કહ્યું હતું કે, આઝાદ હિંદ સરકાર માત્ર નામ નહોતું. નેતાજીના નેતૃત્વમાં આ સરકારે દરેક ક્ષેત્રમાં નવી યોજના બનાવી હતી. આ સરકારની પોતાની બેંક હતી. મુદ્રા હતી, ડાક ટિકિટ અને ગુપ્તચર સેવા પણ હતી.
 મોદીએ સુભાષચંદ્ર બોઝના એક પત્રનો ઉલ્લેખ કર્યો હતો. જે તેઓએ કિશોરાવસ્થામાં પોતાની માતાને લખ્યો હતો. 1912 આસપાસ લખવામાં આવેલા પત્રમાં ભારત ગુલામ બનવાની વેદના વ્યક્ત કરવામાં આવી હતી. પત્રમાં સવાલ પણ કર્યો હતો કે, શું આપણો દેશ દિનપ્રતિદિન પતન તરફ આગળ વધતો રહેશે. આખરે ક્યાં સુધી આપણે આ તમામ બાબતોને નજરઅંદાજ કરતા રહેશું. વડાપ્રધાને કહ્યું હતું કે, આ જ લાલ કિલ્લા ઉપર આઝાદ હિંદ ફોજના સેનાની શાહનવાઝ ખાને કહ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝ એવા પહેલા વ્યક્તિ હતા જેઓએ ભારત હોવાનો વિચાર મનમાં જગાડયો હતો. 
24 કલાક રાજકારણ રમવું ઙખને શોભા દેતું નથી : કોંગ્રેસ
નવી દિલ્હી,તા.21 આઝાદ હિન્દ ફેજના સ્થાપના દિને દેશમાં રાજકારણ જામ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નેતાજી સુભાષચંદ્ર બોઝને ભુલાવી દેવાનો આક્ષેપ કર્યો હતો તો કોંગ્રેસે પલટવારમાં કહ્યું હતું કે વારસાવિહોણો ભાજપની હાલત  જળની બહાર તરફડતી માછલી જેવી થઈ ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ઉચ્ચ બંધારણીય હોદો ભોગવતા હોવા છતાં વડાપ્રધાનને 24 કલાક રાજકારણની વાતો કરવી શું શોભા દે છે? વિરાસતવિહોણો એ પક્ષ રાષ્ટ્રીય આંદોલન, આઝાદીની લડાઈના વારસાને હડપી લેવા મચ્યો છે.
તેમણે કોંગ્રેસના કામો ગણાવીને કહ્યું હતું કે એ કોણ હતું જેમણે નેતાજીના ઈન્ડિયન નેશનલ આર્મીના ટ્રાયલમાં સ્વતંત્રતાસેનાનીઓનો બચાવ કર્યો હતો? એ વકીલ જવાહરલાલ નેહરુ હતા. નેતાજીએ 1938માં નેશનલ પ્લાનિંગ કમિટી બનાવી હતી તેને જ આઝાદી બાદ આયોજન પંચનું સ્વરૂપ મળ્યું. મોદીએ તેમની સંસ્થાને ધ્વસ્ત કરીને નીતિ આયોગ બનાવી દીધું. 19પ7માં નેતાજી રિસર્ચ બ્યુરો કોણે બનાવ્યું? નેહરુ સરકારે. આઝાદ હિન્દ ફેજના શહીદો માટે સ્મારકથી લઈને નેતાજી મ્યુઝિયમ બનાવવાનું કામ કોંગ્રેસ સરકારોમાં થયું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer