32000 કરોડનું ‘િબનરોકાણ’ કરતાં વિદેશી રોકાણકારો

32000 કરોડનું ‘િબનરોકાણ’ કરતાં વિદેશી રોકાણકારો
નવી દિલ્હી, તા. 21 : વિદેશી રોકાણકારોએ આ મહિનાના પહેલા ત્રણ સપ્તાહમાં ભારતીય મૂડી બજારમાંથી આશરે 32 હજાર કરોડ રૂપિયા કાઢ્યા છે. વેપાર મોરચા પર જારી તણાવ, કાચાં તેલની વધતી કિંમતો અને અમેરિકી બોન્ડ તેનું કારણ રહ્યાં છે.
આ આંકડો સપ્ટેમ્બર મહિનામાં મૂડી બજારમાંથી થયેલા કુલ ઉપાડ કરતાં પણ વધુ છે. સપ્ટેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારોએ 21 હજાર કરોડ કરતાં પણ વધુનો ઉપાડ કર્યો હતો. આ પહેલાં જુલાઈ-ઓગસ્ટમાં રોકાણકારોએ કેપિટલ માર્કેટ (શેર અને દેવું (ડેબ્ટ))માં નેટ 7400 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
થાપણના આંકડા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)એ 1-19 ઓક્ટોબર દરમ્યાન 19,810 કરોડ રૂપિયાના શેર વેચ્યા અને દેવાં બજારમાંથી 12,167 કરોડ રૂપિયાનો ઉપાડ કર્યો હતો. આ રીતે એફપીઆઈએ કુલ 31997 કરોડ રૂપિયા (4.3 અબજ ડોલર) ઉપાડયા છે.
વિદેશી રોકાણકાર આ વર્ષે અમુક મહિનાને છોડીને બાકીના સમય દરમ્યાન વેચવાલ રહ્યા હતા. જિયોજિત ફાયનાન્શિયલ સર્વિસિસના સંશોધન પ્રમુખ વિનોદ નાયરે જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર મોરચે વધી રહેલી તંગદિલીને કારણે સુસ્ત પડી રહેલી વિશ્વ અર્થવ્યવસ્થાની ચિંતાઓ વચ્ચે વૈશ્વિક બજારોના નકારાત્મક વલણને કારણે વિદેશી રોકાણકારોએ ઉપાડ કર્યો છે.
આ ઉપરાંત અંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર 3.7 ટકા રહેવાના અનુમાનથી પણ રોકાણકારો પર ઉપાડનું દબાણ વધ્યું હતું. આ વર્ષે હજુ સુધી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 33 હજાર કરોડ રૂપિયા અને બોન્ડમાંથી 60 હજાર કરોડ રૂપિયાનો ઉપાડ કરી લીધો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer