અંતે સરકાર સતર્ક : સાસણમાં ગેરકાયદે હોટલ, ફાર્મહાઉસની તપાસ

અંતે સરકાર સતર્ક : સાસણમાં ગેરકાયદે હોટલ, ફાર્મહાઉસની તપાસ
જૂનાગઢ,તા.21 : જૂનાગઢ જિલ્લાના સાસણ તથા આસપાસના ગામો હરીપુર, ભાલછેલ, સહિતના સીમ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી 25થી વધુ હોટેલ, ફાર્મ હાઉસ, રીસોર્ટ, આરામગૃહોમાં આજે તંત્રએ સામૂહિક તપાસ કરી નોટિસો ફટકારવામાં આવતા હલચલ મચી ગઇ છે.
જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને અધિક મુખ્ય સચિવ વન વિભાગની સૂચના મુજબ આજે મેંદરડાના નાયબ કલેકટર જે.સી. દલાલ, નાયબ વન સંરક્ષક પ્રદિપસિંહ, ધીરજ મિતલની આગેવાનીમાં મહેસુલ, વન, પોલીસ અને પંચાયત વિભાગની ટીમોએ સામૂહિક તપાસ હાથ ધરી હતી.
સાસણ, ભાલછેલ, હરીપુર વિસ્તારની 25 થી વધુ હોટેલો, આરામગૃહો, રીસોર્ટની તપાસમાં ગેરરીતિ જણાતા નોટિસો આપવામાં આવી છે અને આવી હોટેલ આરામ ગૃહોમાં રીસોર્ટ સાથે સંકળાયેલા પ્રવાસીઓને અનઅધિકૃત સ્થળે નહીં રોકાવા, ગેરકાયદે લાયન શો જેવી પ્રવૃતિઓમાં સામેલ ન થવા તાકીદ કરવામાં આવી હતી. આવી ગેરકાયદે હોટેલોમાં ગીર કોટેજવીલા, ટહુકો ફાર્મ વિગેરેનો સમાવેશ થાય છે. તંત્રના આ પગલાથી ગેરકાયદે હોટલ રીસોર્ટથી આરામ ગૃહો ચલાવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વનરાજોનું વેકેશન પૂર્ણ થતા ગીર અભયારણમાં લાયન શો શરૂ થતા અને દિવાળી તહેવાર નજીક આવતા હોય આવી હોટલો ફાર્મ હાઉસ આરામગૃહો ધમધમવા લાગ્યા છે ત્યારે સરકારના વિવિ વિભાગો દ્વારા સામૂહિક તપાસ કરી નોટિસો પાઠવતા સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. કારણ કે અભયારણમા આવા વ્યવસાયને મંજૂરી અપાતી નથી.
આ અંગે મેંદરડા નાયબ કલેકટર જે.સી. દલાલે જણાવ્યું કે સાસણ હરિપુર ને ભાલછેલ વિસ્તારની 25 જેટલી જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. તેમાં 12 આસામીઓને નોટિસો ફટકારાઇ છે. તેમાં વન વિભાગની એન.ઓ.સી. મેળવેલ છે કે કેમ? જો હોય તો તે પ્રમાણે સુવિધા છે? આ અંગે દિવસ ત્રણમાં આધારો રજૂ કરવા જણાવાયું છે.
તેમણે ઉમેર્યું કે અગાઉ વન વિભાગ દ્વારા એન.ઓ.સી. આપવામાં આવેલ તે આધારે બાંધકામ અને કોમર્શિયલ ઉપયોગની મંજૂરી આપવામાં આવેલ છે પણ છેલ્લા પાંચ સાત વર્ષથી વન તંત્ર દ્વારા કોઇ એન.ઓ.સી. આપવામાં આવેલ નથી તેથી મંજૂરીનો પ્રશ્ન રહેતો નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer