આજે વન ડે ટીમની પસંદગી: ધોનીના વિકલ્પે પંતને તક મળશે?

આજે વન ડે ટીમની પસંદગી: ધોનીના વિકલ્પે પંતને તક મળશે?

નવી દિલ્હી, તા.10: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર પ વન ડેની સિરીઝ માટે ગુરુવારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની પસંદગી થશે ત્યારે સહુની નજર એ વાત પર રહેશે કે ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા પૂર્વ સુકાની એમએસ ધોનીના વિકલ્પરૂપે યુવા વિકેટકીપર રીષભ પંતને પસંદ કરવામાં આવે છે કે નહીં. હજુ સુધી એ નક્કી નથી થયું કે ટીમ પસંદગી પહેલા ત્રણ મેચ માટે હશે કે પછી પૂરી સિરીઝ માટે. સુકાની વિરાટ કોહલીને આ વખતે પૂરી શ્રેણીમાં વિશ્રામ આપવામાં આવે તેવી સંભાવના ઘણી ઓછી છે.
ધોનીની વિકેટકીપિંગ તો જોરદાર છે પણ તેની બેટિંગની ધાર પહેલા જેવી રહી નથી. આથી તેના કવર માટે યુવા રીષભ પંતને 1` ખેલાડીમાં સ્થાન મળી શકે છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે બધાને એ તો ખબર છે કે ધોની વિશ્વ કપ સુધી રમવાનો છે. બીજી તરફ પંતને પણ મોકા આપવામાં કોઇ નુકસાન નથી. તે છઠ્ઠા કે સાતમા નંબર પરનો શાનદાર બેટધર છે. હાલ તે શાનદાર ફોર્મમાં પણ છે. ઓવલમાં શાનદાર સદી બાદ રાજકોટ ટેસ્ટમાં તેણે 92 રનની ઇનિંગ રમી હતી.
કેદાર જાધવ હજુ ઇજાગ્રસ્ત છે. આથી અંબાતિ રાયડુને તક મળવી નિશ્ચિત છે. રવીન્દ્ર જાડેજા પણ ફરી વન ડે ટીમમાં પસંદ થશે. બુમરાહ અને ભુવનેશ્વરની વાપસી નિશ્ચિત છે. ખાસ કરીને મધ્યક્રમમાં કયા બેટધરોની સ્થાન આપવું તેના પર બેઠકમાં સારી ચર્ચા થઇ શકે છે. જે માટે કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, મયંક અગ્રવાલ, સુરેશ રૈના અને અંજિકયા રહાણે હરીફાઇમાં છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer