રાજકોટ-ચોટીલા હાઇવે પર બામણબોર નજીક એસ.ટી., બે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ટેન્કર ચાલકનું મૃત્યુ

રાજકોટ-ચોટીલા હાઇવે પર બામણબોર નજીક એસ.ટી., બે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ટેન્કર ચાલકનું મૃત્યુ
10થી વધુ લોકોને ઇજા થતા સારવારમાં ખસેડાયા
વઢવાણ, તા. 18: રાજકોટ- ચોટીલા હાઇવે પર બામણબોર નજીક આજે વહેલી સવારે એસ.ટી. બસ, બે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે 10થી વધુ લોકોને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.
જાણવા મળતી વિગત મુજબ બામણબોર નજીક મોલડી અને બોરીયાનેસ વચ્ચે મોરબી- ચોટીલા રૂટની બસ ચોટીલાથી રાજકોટ આવતી હતી ત્યારે પુરપાટ ઝડપે આવતા ટેન્કરના ચાલકે એસ.ટી. પાછળ ટેન્કર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
જ્યારે ટેન્કર પાછળ ટ્રક અને તેની પાછળ ટેન્કર અથડાતા ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અને 10થી વધુ લોકોને ઇજા થઇ હતી. બનાવની જાણ થતા બામણબોર પોલીસ મથકના પીએસઆઇ આર. આર. બંસલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. મૃતક ટેન્કરચાલકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ  ધરી છે.
એસ.ટી. ડ્રાઇવરના બેંક ખાતામાંથી 80 હજાર ઉપડી ગયા
સુરેન્દ્રનગર રહેતા અને ધ્રાંગધ્રા એસ.ટી. ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મહેશભાઇ લખમણભાઇ તલસાણીયા ગત તા. 14ના રોજ બસ લઇ જતા હતા ત્યારે તેમના મોબાઇલમાં બે મેસેજ આવેલા જેમાં તેમના બેંક ખાતામાંથી રૂ. 40-40 હજાર ઉપડી ગયાનું જણાતા આ અંગે બેંક પર જઇ તપાસ કરતાં આ પૈસા દિલ્હીના આરાધના ભવનમાં ટ્રાન્સફર થયાનું ખુલતા મહેશભાઇએ પોલીસમાં અરજી કરી હતી.
મૂળીમાં વીજ ટૂકડી પર હુમલો
       સુરેન્દ્રનગર પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર બી. એન. પટેલ સહિતની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મૂળી તાલુકામાં વીજ ચેકીંગ કરવા ગઇ હતી. ત્યારે અજાણ્યા શખસે આવી ‘અહીંથી જતા રહો’ કહી ગાડીના કાચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મૂળી પોલીસમાં નોંધાઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer