મગફળી કૌભાંડમાં મુખ્ય ભેજાંબાજને છાવરાતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ

મગફળી કૌભાંડમાં મુખ્ય ભેજાંબાજને છાવરાતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ
ભેસાણ, તા. 9 : જૂનાગઢ જિલ્લામાં મગફળીના ખરીદ કેન્દ્રો પરથી મળી આવેલા કૌભાંડ મામલે નાની માછલીઓને પકડવામાં આવી છે અને મોટા મગરમચ્છોને ઝડપવામાં આવતા નથી તેવા આક્ષેપ સાથે આજે ભેસાણમાં બે હજાર જેટલા ખેડૂતોનું સંમેલન મળ્યું હતું અને સંમેલનમાં ખેડૂતોએ આક્રોશ વ્યકત કર્યો હતો કે, સરકાર મુખ્ય ભેજાંબાજને છાવરી રહી છે.
ભેસાણના આંબાવાડી વિસ્તારમાં તાલુકાભરના ખેડૂતો એકત્ર થયા હતા અને સવારે 11 કલાકે રેલી કાઢી મામલતદાર કચેરીએ પહેંચ્યા હતા. ત્યાં નાયબ મામલતદાર કનકસિંહ પરમારને ખેડૂતોએ આવેદન પત્ર પાઠવ્યું હતું. આ રેલીમાં ધારાસભ્ય હર્ષદ રીબડીયા, નટુભાઈ પેંકીયા, વજુભાઈ મોવલીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ આવેદન આપ્યા બાદ ખેડૂતોનું સંમેલન મળ્યું હતું અને તેમાં એવો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જૂનાગઢ જિલ્લામાં મંડળીઓ દ્વારા જે રીતે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેમાં મુખ્ય ભેજાંબાજને છાવરવામાં આવી રહ્યા છે અને બીજા શખસોના ગળામાં ગાળીયો નાંખીને તેઓને મુખ્ય આરોપી બનાવી દેવાની પેરવી ચાલી રહી છે.
બે હજાર જેટલા ખેડૂતોના યોજાયેલા સંમેલનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકામાં ઠેરઠેર બિનકાર્યક્ષમ મંડળીઓને માત્ર કાગળ ઉપર જ ખરીદ કેન્દ્રો ફાળવી દેવામાં આવ્યા હતા. કોના ઈશારે બોગસ મંડળીઓને ખરીદ કેન્દ્રો આપી દેવામાં આવ્યા તેની તપાસ થવી જોઈએ. ગુજરાત સરકાર અને પોલીસ તંત્રે માળિયા હાટીના તાલુકાની અને જૂનાગઢ તાલુકાની બગડુ સહિતની મંડળીના સંચાલક વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે પણ મંડળીના સંચાલકો પાસે પડદા પાછળથી કોણ આ કૌભાંડ કરાવી રહ્યું છે તેની તપાસ પણ જરૂરી છે. કૌભાંડ આચરનારા ભેજાંબાજોને ખુલ્લા પાડવા ખેડૂતોએ માગણી કરી હતી. જો મગફળી કૌભાંડમાં તટસ્થ અને ઊંડી તપાસ નહીં થાય તો ખેડૂતો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે, તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer