વિસ્તરતું ‘હાઈરાઈઝ’ રાજકોટ

વિસ્તરતું ‘હાઈરાઈઝ’ રાજકોટ

શહેરની આજુબાજુથી ગ્રીન ઝોન હટી જતા 10 હજાર એકરમાં બાંધકામો વધ્યા
મહિને 60 થી 70 બિનખેતી ફાઈલ ક્લિયર થાય છે
રાજકોટ, તા.16: રાજકોટ શહેર એક સમયે બહુ જ ધીમી ગતિએ વિકાસ પામતું હતું પણ હવે અતિ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને રાજકોટ શહેરની સીમા મર્યાદા રહી નથી. ચારેય દિશામાં હાઈરાઈઝડ બિલ્ડીંગો વધતા જાય છે. તેનું કારણ એ છે કે, રાજ્ય સરકારે એફસીઆઈના નિયમોમાં ફેરફાર કર્યા છે અને શહેરની આસપાસ રૂડા વિસ્તારમાંથી ગ્રીન ઝોન હટાવી લીધો છે. નવા નિયમો મુજબ આ વિસ્તારોમાં સોસાયટી કે ટેનામેન્ટ બનાવવામાં આવે તો ભાવ ઉંચા રહે તેમ છે. માટે હવે હાઈરાઈઝ બિલ્ડીંગ બની રહ્યાં છે.
રાજકોટ એક સમયે મર્યાદિત વિસ્તારમાં હતુ. કાલાવડ રોડ ઉપર કોસ્મોપ્લેક્ષ ટોકીઝ બની ત્યારે શહેરીજનોને એ રાજકોટની બહાર લાગતી હતી. હવે આ જ ટોકીઝ જાણે શહેરની મધ્યમાં આવી ગઈ હોય તે રીતે રાજકોટ શહેર વિસ્તરી ગયું છે. રાજકોટની ચારેય દિશામાં હાઈરાઈઝ બિલ્ડીંગ બની રહ્યાં છે. રાજકોટની બિલ્ડર એસોસીએશન અને ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં નાની મોટી 8 થી 10 હજાર ઈન્ડસ્ટ્રીઝ છે. રાજકોટમાં હવે ઈન્ટરનેશનલ એરપોર્ટ અને બસ પોર્ટ બની રહ્યાં છે. રાજ્ય સરકારે શહેરની આજુબાજુ 10 હજાર એકર જમીન ગ્રીન ઝોન તરીકે રદ્દ કરી છે તેથી હવે આ વિસ્તારમાં બાંધકામ શક્ય છે. ખાસ કરીને માલીયાસણ, બેડી, રોણકી, માધાપર, ઘંટેશ્વર સહિતના વિસ્તારો રેસીડેન્સ ઝોન બની ગયા છે. રાજકોટમાં રોજ એક કે બે નવા પ્રોજેકટ લોન્ચ થઈ રહ્યાં છે.
રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે અને અહીં માત્ર ગુજરાતમાંથી નહીં પણ ભારતભરમાંથી લોકો અહીં વસવાટ કરવા આવ્યા લાગ્યા છે. કોઠારીયા રોડ અને મોરબી રોડ સૌથી વધારે વિકાસ પામી રહ્યો છે. રાજ્ય સરકારે નવો નિયમ કર્યો છે કે, બિલ્ડીંગ કે મકાન બને તે 40 ટકા જગ્યા સરકાર માટે અનામત રાખવી પડે અને 10 ટકા કોમન જગ્યા છોડવી પડે જો આ સ્થિતિ હોય તો ટેનામેન્ટ બનાવવા મોંઘા પડે અને ભાવ ઉંચકાય માટે હાઈરાઈઝ વધારે કરી રહ્યાં છે. રાજકોટમાં કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત મળીને રોજની 2 થી 3 જેટલી બિનખેતી ફાઈલો કલીયર થઈ રહી છે એ હિસાબે રાજકોટમાં દર મહિને 70 જેટલી બિનખેતીની ફાઈલો કલીયર થઈ રહી છે.
રૈયાનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થતા વિકાસ થશે
રૈયા વિસ્તારનો સ્માર્ટ સિટી અંતર્ગત સમાવેશ થતાં આ વિસ્તારનો વિકાસ હવે વેગ પકડશે. અત્યારના તબક્કે રૈયામાં સૌથી ઓછી બિનખેતી થઈ રહી છે ત્યારે હવે આવનારા દિવસોમાં રૈયા વિસ્તારમાં 80 ફૂટ રોડ બનશે અને હાઈરાઈઝ વધારે બનશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer