વેપારીઓ પાસે ખંડણી માગતો રાજકોટનો નામચીન ઇભલો ઝડપાયો

વેપારીઓ પાસે ખંડણી માગતો રાજકોટનો નામચીન ઇભલો ઝડપાયો
સરઘસ કાઢીને આગવી ઢબે કરાઇ પૂછપરછ
રાજકોટ, તા. 12: ગોળીબાર, લૂંટ, ખૂનનો પ્રયાસ, ખંડણી, હથિયાર સહિતના 42 જેટલા ગુનામાં સંડોવાયેલા અને ચાર વખત પાસા હેઠળ જેલની હવા ખાઇ  આવેલા અને ભાઇઓ, સાગરીતોની ગેંગ બનાવીને મોરબી રોડ પરના લાતીપ્લોટ સહિતના વિસ્તારના વેપારીઓને ધાકધમકી આપીને ખંડણીની માગણી કરતાં નામચીન ઇભલો ઉર્ફે ઇબ્રાહીમ કરીમભાઇ કાથરોટિયાને 18 દિવસના અંતે ઝડપી લેવાયો હતો. તેનું લાતી પ્લોટ વિસ્તારમાં સરઘસ કાઢીને આગવી ઢબે પૂછપરછ કરીને પોલીસે માફી મંગાવી હતી. હત્યાના પ્રયાસના ગુનામાં ભુજ જેલમાં ધકેલી દેવાયેલો ઇભલો ઉર્ફે ઇબ્રાહીમ કાથરોટિયા પેરોલ જમ્પ કરીને નાસી ગયો હતો. બાદમાં તેના ભાઇ અને સાગરીતોએ લાતી પ્લોટમાં આતંક મચાવીને વેપારીઓ, કારખાનેદારોને કાર્ટીઝ બતાવી તથા માર મારીને ધમકી આપીને ખંડણી પેટે મફતમાં ગોડાઉન પડાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ઇભલા અને તેની ગેંગે 18 દિવસ પહેલા કરણપરામાં રહેતા અને લાતી પ્લોટમાં સ્વસ્તિક ટુલ્સ નામનું કારખાનુ ધરાવતાં કૌશલભાઇ ગોસલિયાની ઓફિસમાં ઘૂસીને બે ગોળી બતાવીને એક પર તારુ નામ લખાઇ જશે તેવી ધમકી આપીને ગોડાઉન ખંડણી પેટે આપી દેવાની ઇભલા અને તેના ભાઇની ગેંગે ધમકી આપી હતી. આ અંગે કૌશલભાઇએ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત મોરબી રોડ પર સીતારામ પાર્કમાં રહેતાં અને લાતી પ્લોટ 10માં સૌરાષ્ટ્ર ઓઇલ કંપનીના નામે ઓઇલનો ધંધો કરતાં કચ્છી ભાનુશાળી શંકરભાઇ કલ્યાણજીભાઇના ગળા પર છરી રાખીને ગોડાઉન અથવા રૂ. 20 હજાર આપવા પડશે તેવી ધમકી આપી હતી. લાતી પ્લોટ વિસ્તારના વેપારી અને કારખાનેદારોને આતંક મચાવીને ધમકી આપીને ખંડણી પડાવતાં ઇભલાની ગેંગને  નેસ્તનાબુદ કરી દેવા માટે વેપારીઓ અને કારખાનેદારોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હાજર રહેલા પોલીસ કમિશનર ગહલૌતે લાતી પ્લોટ વિસ્તારમાં કોઇ લુખ્ખાગીરી નહીં કરી શકે તેવા પગલાં લેવાશે તેવી ખાતરી આપી હતી. ઇભલાના ભાઇ સહિતના ચાર શખસ પકડાયા હતાં. પરંતુ ઇભલો હાથમાં આવતો ન હતો. દરમિયાન ક્રાઇમ બ્રાંચના મયુર પટેલ, સંતોષ મોરી અને રવિરાજસિંહ પરમારને કુખ્યાત ઇભલો ઉર્ફે ઇબ્રાહીમ કાથરોટિયા ગોંડલ ચોકડી ખાતે હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ હકીકતના આધારે પોલીસની ટીમે તેને ઝડપી લીધો હતો. તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં તેનું મોરબી રોડ અને લાતી પ્લોટ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ દરમિયાન ઇભલાની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી. લોકો પાસે બાપલા ભૂલ થઇ ગઇ, હપ્તા નહીં માગુ, હવે આ બાજુ દેખાઇશ નહીં તેવી હાથ જોડી માફી મંગાવવામાં આવી હતી.આ સરઘસ જોવા મોટી સંખ્યામાં લોકો અને વેપારીઓ એકત્ર થયા હતાં.ઇભલો પકડાઇ જતાં પોલીસ, વેપારીઓ અને કારખાનેદારોએ રાહત અનુભવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer