ચૂંટણીપ્રચાર માટે વાયુસેનાના હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવાનો વડા પ્રધાનને અધિકાર: ભાજપ

કૉંગ્રેસના આરોપો પાયા વિનાના : રવિશંકર પ્રસાદ
 
પ્રમોદ મુઝુમદાર
નવી દિલ્હી, તા. 22 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીપ્રચાર માટે વાયુસેનાના હેલિકૉપ્ટરોનો ઉપયોગ કરે છે એવા કૉંગ્રેસના આરોપોને બેજવાબદાર અને પાયા વિનાના ગણાવતા ભાજપે જણાવ્યું હતું કે વડા પ્રધાનને એસપીજી સુરક્ષા મળતી હોવાથી તેમને વાયુસેનાના કે સરકારી હેલિકૉપ્ટરોમાં પ્રવાસ કરીને પ્રચાર કરવાનો અધિકાર છે અને આવા ખોટા આરોપો લગાવવા માટે રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે માફી માગવી જોઈએ.
કેન્દ્રના કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે ભાજપ મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અગાઉ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ 16 વર્ષ, રાજીવ ગાંધીએ 12 વર્ષ અને ડૉ. મનમોહન સિંઘે 10 વર્ષ, પી.વી. નરસિંહરાવે પાંચ વર્ષ દરમિયાન વાયુસેનાના હેલિકૉપ્ટરોનો ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગ કર્યો હતો. હવે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવું કરી રહ્યા છે તો તેમને શા માટે તકલીફ થઈ રહી છે? વડા પ્રધાનને આવો અધિકાર હોય છે. એટલે આ આરોપો પાયા વગરના અને બેજવાબદાર છે.
ભાજપના આ નેતાએ સંસદની ગરિમા અને સંસદ પ્રત્યેના કૉંગ્રેસ પાર્ટીના  પ્રેમને જોઈને સુખદ આશ્ચર્ય વ્યક્ત કરતાં સવાલ કર્યો હતો કે કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી કેટલા દિવસ સંસદમાં હાજર રહે છે? સંસદમાં રાહુલની હાજરીનો  સરેરાશ રેકર્ડ 54 ટકાનો છે. ગઈ લોકસભામાં આ રેકર્ડ 43 ટકાનો હતો. સંસદના હાજરીપત્રકમાં હસ્તાક્ષર કર્યા બાદ તેઓ કેટલી વખત હાજર રહ્યા છે?
રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે જ્યારે નોટબંધી પર ચર્ચા થઈ ત્યારે કૉંગ્રેસના સાંસદો સંસદમાંથી શા માટે ભાગી ગયા હતા? કારણ કે તેમની પોલ ખૂલી રહી હતી.
ભાજપના આ નેતાએ એવો સવાલ કર્યો હતો કે કૉંગ્રેસે કેટલા દિવસ સંસદને ચાલવા દીધી નહોતી?
કૉંગ્રેસ પાર્ટી હંમેશાં સાર્થક ચર્ચાથી દૂર ભાગે છે પછી મામલો નોટબંધીનો હોય, સર્જિકલ સ્ટ્રાઇકનો હોય કે જીએસટીનો હોય એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer