ચીનની વિસ્તારવાદી નીતિઓની સામે હાથ મિલાવીને અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાએ રચેલાં ક્વાડ સંગઠને હવે દુનિયાને સક્રિય રીતે તેની અસરકારકતાની પ્રતીતિ કરાવવાની કવાયત હાથ ધરી છે. જાપાનની રાજધાની ટોકિયોમાં ક્વાડ દેશોના વડાઓની શિખર મંત્રણામાં મંગળવારે નોંધપાત્ર ગણી શકાય તેવી બાબતોએ નક્કર સ્વરૂપ લીધું હોવાનું તેનાં સંયુક્ત ઘોષણાપત્ર પરથી જણાઇ આવે છે. ખાસ તો હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં માનવતાવાદી અને કુદરતી આફતો ટાંકણે મદદરૂપ થવા તથા ગેરકાયદે માછીમારીને રોકવામાં પ્રાદેશિક શક્તિઓને મદદરૂપ થવા મેરિટાઇમ ડોમેઇન અવેરનેસ ભાગીદારી ઊભી કરવાની ચાવીરૂપ જાહેરાત ક્વાડે કરી છે. આ નવતર પહેલ હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં ચીનના વધી રહેલા ઉધામાને નાથવા માટેના આડકતરા ઉદ્દેશ સાથે હાથ ધરાઇ રહી છે. આ ઉપરાંત ક્વાડ દેશોએ કોરોનાને નાથવામાં આરોગ્યનાં માળખાંને મજબૂત કરવામાં સહાયભૂત થવા ઉપરાંત માળખાંકીય સુવિધાઓને વિકસાવવામાં પરસ્પર સહકાર વધારવા સહિતના મુદ્દે સંમતિ વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે ક્વાડની શિખર મંત્રણા ચાલતી હતી ત્યારે ચીન અને રશિયાનાં ફાઇટર વિમાનોએ જાપાનની સરહદની નજીક ઉડ્ડયન કરીને પોતાનો વિરોધ નોંધાવતાં હોય તેવી હવા ઊભી કરી હતી. ચીન આવું પગલું ભરે તે સ્વાભાવિક માની શકાય તેમ છે. તેનું કારણ એ છે કે, સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ટોકિયોમાં આ શિખર મંત્રણા અગાઉ ચીનને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો તેણે તાઇવાન પર હુમલો કર્યો તો અમેરિકાનું સૈન્ય તેમાં દરમ્યાનગીરી કરશે. ક્વાડની શિખર બેઠક અગાઉ ચીનને આ ચેતવણી આપવા પાછળનો બાયડનનો ઇરાદો એવો હોઇ શકે છે કે, યુક્રેન પરના રશિયાના હુમલાથી ઊભી થયેલી સ્થિતિમાં ચીન કોઇ દુ:સાહસ કરવાની હિંમત કરે નહીં. બીજી તરફ આ બેઠકમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચ્યા ને ‘ક્વાડ’ બેઠક પહેલાં એક અખબારમાં લખેલા લેખ દ્વારા ચીનને આકરો સંદેશ આપ્યો કે, ભારત મુક્ત અને સુરક્ષિત હિન્દ-પ્રશાંત ક્ષેત્રનું સમર્થન કરે છે. મોદીની જાપાનના ઉદ્યોગપતિઓ-કોર્પોરેટ ક્ષેત્રના માંધાતાઓ સાથેની બેઠક અસરકારક રહી. ભારતીય સમુદાયે તેમનું જોરશોરથી સ્વાગત કર્યું. વડાપ્રધાનની ઝલક મેળવવા ભારતીય સમુદાય પડાપડી કરતો હતો. દરમ્યાન મંગળવારની ક્વાડની બેઠક પ્રથમ નજરે ફળદાયી ગણી શકાય તેવી રહી, પણ નિષ્ણાતો માને છે કે, ચીનના પડકારને પહોંચી વળવા ક્વાડે હજી ઘણું કરવાની જરૂરત છે. ખાસ તો ક્વાડે તેની અસરકારકતા દુનિયાને અને ખાસ તો ચીનને બતાવી આપવા પર ગંભીરતા સાથે કામ કરવાની ખાસ જરૂરત છે. બીજી તરફ ચીન ક્વાડની વિરુદ્ધ સક્રિય બની ગયું છે. તે આ સંગઠનને એશિયાનું નાટો ગણાવતું થઇ ગયું છે. ચીનનો એજન્ડા એવો જણાય છે કે, તે એશિયામાં અમેરિકાના વિરોધી દેશોને ક્વાડનાં નામે ઉશ્કેરીને પોતાના વેપારી અને વિસ્તારવાદી એજન્ડાને આગળ ધપાવવા માગે છે. ચીન બરાબર સમજે છે કે, ક્વાડ હિન્દ અને પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં અને તેને સંબંધિત દેશોમાં વ્યૂહાત્મક રીતે ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યંy છે. વળી ક્વાડ સમૂહના દેશમાં પરસ્પર આર્થિક સહયોગ વધે તો પણ તે આખરે ચીનનાં હિતોને અસર કરે તેમ છે. વળી હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં કોઇ મજબૂત સંગઠન સક્રિય બની જાય તો ચીન તે વિસ્તારમાં તેના બદઇરાદાને આગળ ધપાવી શકે નહીં. આમ, ક્વાડથી ચીનની અસહજતા સતત વધી રહી છે. આગામી સમયમાં ક્વાડના સભ્ય દેશો આ સંગઠનને વધુ અસરકારક અને સક્રિય બનાવશે એ વાત હાલમાં નક્કી જણાઇ રહી છે. ક્વાડની સક્રિયતાની સાથે ચીનનો ઉશ્કેરાટ વધતો જશે. એ સામે લગાતાર સાવધાની રાખવી પડશે.
એશિયાઇ સિંહ એ ગુજરાત અને દેશ માટે જ નહીં પણ દુનિયા માટે શાન ગણાય છે. ભારતમાં માત્ર ગિર - સાસણમાં જોવા મળતા આ સિંહનાં સંવર્ધન ને સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનની જાહેરાત થયાને બે વર્ષ થવા આવ્યાં છે પણ અમલ થવો બાકી છે. 15 ઓગસ્ટ, 2020ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી અને કેન્દ્રના વન - પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગિરની મુલાકાતે આવ્યા ત્યારે એમણે એમ કહ્યું કે, આ પ્રોજેક્ટ માટે કામ ચાલે છે પણ ક્યારથી એનો અમલ થશે એનો કોઈ ફોડ મંત્રીશ્રીએ પાડયો નથી. એક માસમાં રૂપરેખા બનાવવા કહેવામાં આવ્યું છે. લાંબા સમયથી સિંહનાં સંવર્ધન અને સંરક્ષણ માટે ચર્ચાઓ ચાલે છે. ગિરમાં સિંહોની સંખ્યા વધતી જાય છે અને અમુક સંખ્યામાં સિંહોને અન્યત્ર સ્થળાંતર કરવાની જરૂર છે એ મુદ્દેય પણ ચર્ચા ચાલે છે. મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ પણ છે. એમપીનાં વનોમાં સિંહોને લઈ જવાની વાત પણ અટકેલી છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો છે. અત્યારે બન્ને રાજ્યમાં ભાજપની સરકાર છે પણ બન્ને વચ્ચે કોઈ વાતચીત ચાલતી હોય એમ જણાતું નથી. સિંહોની સંખ્યામાં છેલ્લાં પાંચ વર્ષમાં 30 ટકાનો વધારો થયો છે અને સંખ્યા 700થી વધુ થઈ ગઈ છે અને આ કારણે ગિરનું જંગલ સિંહોને નાનું પડે છે અને સિંહો માનવ વસ્તીમાં હુમલા કરી રહ્યા છે. રાજકોટના પાદર સુધી સિંહોની આવનજાવન થઈ ગઈ છે. જૂનાગઢના રહેવાસી વિસ્તારોમાં સિંહો આવી ગયાના કિસ્સા છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સિંહો આવ્યા હોય એવી ઘટના સામાન્ય બનતી જાય છે અને સિંહો 22,000 ચોરસ કિલોમીટરમાં વસતા હતા. આ વિસ્તાર વધીને 30,000 કિલોમીટર થઈ ગયો છે. રાજુલાથી માંડી પોરબંદર સુધી સિંહો જૂથોમાં જોવા મળે છે. આનો ઉપાય શું ? આ મુદ્દે અનેક ચર્ચાઓ થઈ છે પણ વાત તેનાથી આગળ વધતી નથી. એક જ જગ્યાએ વધુ સિંહો રહે તો રોગચાળાનું જોખમ રહે છે અને સીડીવી (કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ)માં કેટલાક સિંહોનાં મૃત્યુ થયાં અને બાદમાં પણ આવી ઘટના બની છે. હવે સિંહોને રસી આપવાનું શરૂ કરાયું છે પણ સિંહને રીલોકેટ કરવા મુદ્દે વિવાદો છે. ગુજરાત સરકારે તો કેન્દ્ર સરકાર પાસે સિંહ સંવર્ધન અને સંરક્ષણ માટે રૂ. 2000 કરોડ માગ્યા છે એમાં સંરક્ષણ અને સંવર્ધન ઉપરાંત માણસ-સિંહ વચ્ચે તનાવ, સર્વેલન્સ, રોગ નિદાન કેન્દ્ર, સંશોધન, માલધારીનું સહઅસ્તિત્વ વગેરે મુદ્દાનો સમાવેશ થાય છે અને ગુજરાત સરકાર ગુજરાતમાં અન્ય કેટલાંક સ્થળોએ સિંહોને લઈ જવા માગે છે, એમાં અંબાજીના વન વિસ્તારનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાંક સ્થળો પણ છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાંક સ્થળો અંગે વિચારણા થઈ શકે છે. જેમાં બરડાનો ડુંગર છે જ્યાં વર્ષો પહેલા સિંહોનો વસવાટ હતો. દ્વારકા વિસ્તાર પણ ઓળખવામાં આવ્યો છે. રામપરા, સક્કરબાગ અને સાતવીરડામાં જીનપુલ પણ છે. હવે કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ ટાઇગરની જેમ પ્રોજેક્ટ લાયનનો ઝડપી અમલ કરવો આવશ્યક છે.
© 2022 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer