વેપારીઓએ બંધનું એલાન આપી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
લીંબડી, તા.7: લીંબડીમાં બેફામ બનેલા તસ્કરોએ આતંક મચાવ્યો હતો અને એક રાતમાં એક સાથે 18 દુકાનમાં ખાબકતા વેપારીઓમાં રોષ વ્યાપી ગયો હતો અને બંધના એલાનની ચીમકી ઉચ્ચારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસની કહેવાતી કડક કામગીરી સંદર્ભે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, લીંબડીમાં દોલતસાગર તળાવકાંઠે આવેલી 18 દુકાનમાં તસ્કરો ખાબક્યા હતા અને રોકડ - સાયકલ - વાસણ સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી ગયા હતા. તસ્કરોએ ટીપટોપ ફરસાણ, બિન્દુ ચા ઘર, મહાલક્ષ્મી વાસણ, મારુતિ વાસણ, અનીલ બુક સ્ટોર, નીધિ સાબુ ભંડાર, અલંકાર વાસણ, જાની છીકણીવાળા, માતંગી સાઇકલ, શ્રીજી ઇલે., હરજીવન ડાયાભાઈની દુકાન, પ્રવિણ હેરઆર્ટ, હરજીવનભાઈની દુકાન, હિતેષ નાગરની દુકાન, માધુરી ટી, જય અબે ફર્નિચર, નિધિ સેલસ અને રોશન નામની દુકાનનો સમાવેશ થાય છે. આ બનાવના પગલે વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકીને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવા માગણી કરી હતી.