કેરોલિના મારિન 21-12 અને 21-5ની જીત સાથે ચેમ્પિયન
બાસેલ તા.7: વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ ફરી એકવાર ફાઇનલની અને સ્પેનની સ્ટાર ખેલાડી કેરોલિના મારિનની બાધા પાર કરી શકી નથી. આજે અહીં રમાયેલા સ્વિસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના ફાઇનલમાં મારિન સામે સિંધુનો કારમો પરાજય થયો હતો. કેરોલિના મારિને આક્રમક રમતથી પીવી સિંધુ વિરૂધ્ધ ફકત 3પ મિનિટમાં 21-12 અને 21-પથી એકતરફી જીત મેળવી હતી અને સ્વિસ ઓપનની ટ્રોફી જીતી લીધી હતી. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે સિંધુ 2019ના વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઇનલ બાદ પહેલીવાર ખિતાબી મુકાબલામાં પહોંચી હતી. જો કે તેણીને આજે રનર્સ અપથી સંતોષ કરવો પડયો હતો.
કેરોલિના મારિન અને પીવી સિંધુ વચ્ચે આજે 14મી વખત ટકકર થઇ છે. જેમાં સ્પેનની ખેલાડીનો 9-પથી હાથ ઉપર રહ્યો છે. મારિને તેનું શાનદાર ફોર્મ જાળવી રાખીને 2021ના વર્ષમાં તેનું ત્રીજી ટાઇટલ જીત્યું છે. સ્વિસ ઓપનમાં આ પહેલા સેમિ ફાઇનલમાં પુરુષ વિભાગમાં શ્રીકાંતની હાર થઇ હતી.