ચાંદટેકરીનાં 4 અપક્ષ ઉમેદવારની હાર થતા એક ઘરને આગ ચાંપી
મોડાસા, તા.3: વર્ષોથી ભાજપ સાથે ગઠબંધન ધરાવતા ચાંદ ટેકરીના અપક્ષ ઉમેદવારોની હાર થતા, ચાંદ ટેકરીના રહિશોએ રોષ ભરાયા હતા. તેવામાં કેટલા અસામાજીક તત્વો દ્વારા કોંગ્રેસના ઉમેદવારના સંબંધીનું ઘર સળગાવી દેતા વાતાવરણમાં તંગદીલી ફેલાઇ હતી. પીડિત પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેમના સંબંધી કોંગ્રેસની પેનલમાં વિજયી બનતા તેઓ સરઘસમાં જોડાયા હતા તેની અદાવત રાખી તેમનું મકાન હારી ગયેલા ઉમેદવારોની ઉશ્કેરણીથી સળગાવામાં આવ્યું છે. પીડિત પરિવાર મૂળ રાણા સૈયદનો રહેવાસી હતો પરંતુ ચૂંટણીના એક વર્ષ પૂર્વે ચાંદ ટેકરી રહેવા જતા રહ્યો હતો.
નોંધનીય છે કે ગત ટર્મમાં ભાજપને 18 સીટ મળી હતી ત્યારે બહુમતના જાદુઇ આંકડાને સ્પર્શ કરવા માટે વોર્ડ નં.9ના મુલતાની સમાજના 4 અપક્ષ ઉમેદવારોનું સમર્થન મેળવી 5 વર્ષ સતા ભોગવી હતી. છેલ્લા બે ટર્મથી ચાંદટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં સર્વસંમતિથી, 4 અપક્ષ ઉમેદવારો ચૂંટાતા હતા.
પરંતુ આ વખતે મોડાસા નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડ નં.9ના મુલતાની સમાજના મતદારોમાં બે ભાગ પડી ગયા હતા. વોર્ડ નં.9માં રાણાસૈયદ વિસ્તારમાંથી મુલતાની સમાજના 2 ઉમેદવાર અને લઘુમતી સમાજના બે ઉમેદવારોએ કોંગ્રેસમાંથી ઝંપલાવતા તેમની જંગી બહુમતિથી જીત થઇ હતી જ્યારે ચાંદ ટેકરીથી અપક્ષ ઉમેદવારોની હાર થઇ હતી.