BBCના રેડિયો શૉમાં મોદીનાં માતા વિશે અપશબ્દો બોલાતા હોબાળો

BBCના રેડિયો શૉમાં મોદીનાં માતા વિશે અપશબ્દો બોલાતા હોબાળો
બિગ ડિબેટમાં કોલરનો વાંધાજનક શબ્દપ્રયોગ, ભારતીયોમાં રોષ
લંડન, તા.3: બ્રિટનમાં બીબીસી એશિયાઈ નેટવર્કના બિગ ડિબેટ શૉ દરમિયાન એક વક્તાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા અંગે અપશબ્દ ઉચ્ચારતા સોશિયલ મીડિયા પર ઘેરા પડઘા પડયા છે.
બ્રિટનમાં રહેતા શિખો અને ભારતીય મૂળના લોકો પ્રત્યે જાતિગત ભેદભાવ પર આયોજિત ડિબેટમાં સંપૂર્ણ ચર્ચા ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન તરફ વળી ગઈ હતી. લાઇવ રેડિયો શૉ દરમિયાન એક કોલરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાને ગાળ ભાંડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા બહોળી સંખ્યામાં યુઝર્સે આકરી પ્રતિક્રિયા આપી છે. આરોપ છે કે બીબીસીએ જાણી જોઈને આ વાંધાજનક ટિપ્પણીને ઓનએર જવા દીધી.
કિરણ બલખિયાએ માગ કરી કે શું બીબીસી એ બાબતની માફી માગશે કે તેણે પોતાના કાર્યક્રમમાં સામેલ થતાં પહેલા તે લોકોની તપાસ કરી ન હતી. નંદિનીએ લખ્યું કે બીબીસી અહીં શું પ્રોત્સાહન આપી રહી છે ? આ ખૂબ જ ગંભીર મુદ્દો છે.
બીબીસીએ આ અપમાનજનક ભાષા અને વડાપ્રધાન મોદીનાં માતા અંગે કરાયેલી અપમાનજનક ટિપ્પણી અંગે જવાબ આપવો જોઈએ. અમન દૂબેએ લખ્યું કે આ ખૂબ જ શરમજનક કૃત્ય છે.  જેનો ઓડિયો ટ્વિટર પર વાયરલ થયા બાદ બાયકોટ બીબીસી ટોપ ટ્રેન્ડમાં પહોંચી ગયું છે. બહોળી સંખ્યામાં લોકોએ ચીનની જેમ બીબીસી પર ભારતમાં પ્રતિબંધ મૂકવા માગ કરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer