જનતા બેહાલ ા પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને

જનતા બેહાલ ા પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને
સપ્તાહમાં ચોથી વાર વધારો ઝીંકાયો : ભોપાલમાં પેટ્રોલ લિટરે 93 રૂપિયાને પાર
નવી દિલ્હી, તા. 23 : સરકાર અને તેલ કંપનીઓ દ્વારા આમઆદમી પર મોંઘવારીનો બોજ નાખવાનું અવિરત છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે પણ લિટરે 2પ-2પ પૈસાના વધારા સાથે ઈંધણના ભાવ સર્વકાલીન સપાટીએ પહોંચી ગયા છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ રૂ.92.28 અને દિલ્હીમાં  રૂ.8પ.70 થઈ ગયા છે જ્યારે ભોપાલમાં તો પેટ્રોલ 93 રૂપિયાને પાર કરી ગયું છે.
સતત ભાવવધારાને કારણે હવે દેશમાં પેટ્રોલિયમની કિંમત સર્વકાલીન સપાટીએ પહોંચી ગઈ છે. તેલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ સપ્તાહે તેલની કિંમતમાં ભાવવધારા માટે સાઉદી અરેબિયા દ્વારા તેલના ઉત્પાદનમાં કાપ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો પણ આકરા વેરામાં કાપ કરવાના સવાલનો સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રુડ તેલના ભાવ વિક્રમી તળિયે પહોંચી ગયા હતા ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખાસ ઘટાડો કરાયો નહોતો.
આજના વધારા સાથે દિલ્હીમાં ડીઝલના ભાવ રૂા.7પ.88 અને મુંબઈમાં રૂા.82.66 થઈ ગયા હતા. સપ્તાહમાં ચોથી વાર પેટ્રોલિયમની કિંમતોમાં વધારો ઝીંકવામાં આવ્યો છે અને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.
એક તરફ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે રાંધણ ગેસ પર પ્રજાને મળતી સબસિડી લાંબા સમયથી બંધ કરીને બેવડો ફટકો લગાવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer