ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેકટર પરેડને મંજૂરી

ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેકટર પરેડને મંજૂરી
પોલીસ બેરીકેડ્સ ખોલી નાખશે: આજે રૂટ જાહેર કરાશે
નવી દિલ્હી, તા.ર3 : આંદોલનકારી ખેડૂતોની ર6 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ નિમિત્તે પ્રસ્તાવિત ટ્રેકટર પરેડને અંતે દિલ્હી પોલીસે મંજૂરી આપી છે. પોલીસ અને ખેડૂત નેતાઓ વચ્ચે શનિવારે યોજાયેલી બેઠકમાં સહમતી સધાઈ હતી.
ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે એલાન કર્યુ કે ટ્રેકટર પરેડ યોજવા મંજૂરી મળી ગઈ છે.  રેલીનો રૂટ રવિવારે સવારે જાહેર કરાશે. ગણતંત્ર દિવસે અમે દિલ્હીની અંદર જઈશું. કેટલાક રૂટ નક્કી કરાયા છે જેના પર સહમતિ સધાઈ છે. પોલીસ બેરિકેડ્સ હટાવી લેશે. ર6 જાન્યુઆરીની ટ્રેકટર પરેડમાં અમારી ગ્લોબલ ઓડિયન્સ હશે. ટ્રેકટરની સંખ્યા અંગે કોઈ નિયંત્રણ નથી.  આ પહેલા ખેડૂતોની પ્રસ્તાવિત ટ્રેકટર પરેડ પર કોઈ આદેશ આપવા ઈન્કાર કરી સુપ્રીમ કોર્ટે નિર્ણય દિલ્હી પોલીસ પર છોડયો હતો. ખેડૂતો અને પોલીસ વચ્ચેની પહેલી બેઠક નિષ્ફળ ગયા બાદ શનિવારની બેઠકમાં પોલીસે મંજૂરી આપી હતી. ખેડૂતોની ટ્રેકટર પરેડમાં હજારો ટ્રેકટર લાઈનબદ્ધ સામેલ થશે જેની તૈયારીઓ અને રિહર્સલ ચાલી રહયુ છે. ખેડૂતોએ કોઈ પણ કાળે શાંતિપૂર્ણ ટ્રેકટર પરેડ યોજીશું જ તેવુ એલાન કર્યા બાદ આખરે આ મામલે સહમતિ સધાઈ હતી.
-------------
ચાર કિસાન નેતા ઉપર ગોળીબાર કરવાના ષડયંત્રનો દાવો
કિસાનોએ એક શખસે રજૂ કર્યો : મીડિયા સામે સાજીશનો સ્વિકાર કર્યા બાદ પોલીસ સમક્ષ પલટી મારી
નવી દિલ્હી, તા. 23 : નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે દિલ્હી-હરિયાણાની સિંધૂ બોર્ડર ઉપર કિસાનોએ એક સંદિગ્ધ વ્યક્તિને ઝડપી પાડયો છે. કિસાનોએ દાવો કર્યો છે કે વ્યક્તિએ આંદોલનમાં અડચણની સાજીશ રચી છે. શખસે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ દરમિયાન ચાર કિસાન નેતાઓની હત્યાની સાજીશનો દાવો કર્યો છે. આ જાણકારી પકડાયેલા સંદિગ્ધે આપી છે. આ શખસને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. શખસના  કહેવા પ્રમાણે પોલીસ ડ્રેસ પહેરીને 60 યુવાનોએ ટ્રેકટર પરેડમાં તોફાન અને ચાર લોકોની હત્યા કરવાની હતી. ત્રિરંગાનું અપમાન કરીને નીચે પાડીને વિવાદ કરવાની યોજના હતી. બીજી તરફ પોલીસ સમક્ષ અલગ જ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, તેને માર મારીને નિવેદન અપાવ્યું હતું.
કિસાન મોરચા તરફથી મીડિયા સામે રજૂ કરવામાં આવેલા શખસે દાવો કર્યો હતો કે આ કામ માટે હથિયાર મળ્યા હતા. 26 તારીખે ખેડૂતો આગળ વધવાની કોશિશ કરે ગોળી ચલાવવાનો ઓર્ડર મળ્યો હતો. 10 લોકોની ટીમ ગોળી ચલાવવાની હતી. જેથી દિલ્હી પોલીસને કિસાનોની હરકત છે તેવી શંકા પાડી શકાય. આગળ શખસે કહ્યું હતું કે, 24 તારીખે સ્ટેજ ઉપરના ચાર લોકોને મારવાના હતા અને તેની તસવીર અપાઈ હતી. આ બધું કહેનાર વ્યક્તિ પ્રદીપ સિંહ છે. જે રાઈ સ્ટેશનનો એસએચઓ છે તેવો દાવો પણ કર્યો હતો. આ દરમિયાન કિસાન નેતાઓએ દાવો કર્યો હતો કે આંદોલનને સતત નબળું પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ પૂછપરછમાં શખસે કહ્યું હતું કે, તે દિલ્હીમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને માર મારીને જે સમજાવવામાં આવે તે મીડિયા સમક્ષ બોલવા બળજબરી કરવામાં આવી હતી. તેવામાં હવે કિસાન સંગઠન અને શખસમાંથી કોઈએક ખોટા દાવા કરે છે તે ગૂંચવણ ઉભી થઈ છે. વધુમાં જે પોલીસ સ્ટેશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો  છે ત્યાં પ્રદીપ સિંહ નામનો કોઈ એસએચઓ નથી તેવું પણ સામે આવ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer