ગુજરાતમાં મહાપાલિકા-પંચાયતની ચૂંટણી જાહેર

ગુજરાતમાં મહાપાલિકા-પંચાયતની ચૂંટણી જાહેર
બે તબક્કામાં ચૂંટણી અને મતગણતરી
છ મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન
28 ફેબ્રુઆરીએ થશે : મહાનગરપાલિકાનાં પરિણામ 23 ફેબ્રુઆરીએ, પંચાયતોનાં પરિણામ 2 માર્ચે જાહેર થશે
(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.23: ગુજરાતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરતા રાજ્ય ચૂંટણી કમિશનર સંજયપ્રસાદે જણાવ્યું હતું કે, રાજ્યમાં બે તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. જેના માટે 6990 ઇવીએમનો ઉપયોગ કરવામાં આવશે. આ મતદાનની મતગણતરી મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરી અને નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની મતગણતરી 2જી માર્ચ રાખવામાં આવી છે. સાથે સાથે સામાન્ય ચૂંટણી સાથે મહાનગરપાલિકા અને પંચાયતોની ખાલી પડેલી બેઠકોની પણ ચૂંટણી યોજાશે. ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજ્યમાં આજથી આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ મહાનગર પાલિકા માટે 1 ફેબ્રુઆરી જ્યારે જિલ્લા, તાલુકા અને નગરપાલિકા માટે 8 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવારીપત્રો ભરાવની છેલ્લી તારીખ મહાનગરપાલિકા માટે 6 ફેબ્રુઆરી અને નગપાલિકા અને તાલુકા, જિલ્લા પંચાયતો માટે 13 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ મહાનગરપાલિકા માટે 9 ફેબ્રુઆરી અને નગરપાલિકા, તાલુકા જિલ્લા પંચાયતો માટે 16 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. બે તબક્કામાં યોજાનારી આ ચૂંટણીમાં જો પુન:મતદાન જરૂર હોય તો 22 ફેબ્રુઆરી મહાનગરપાલિકા માટે અને 1 માર્ચ જિલ્લા-તાલુકા, નગરપાલિકા માટે રહેશે જ્યારે મતગણતરી મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરી અને નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતો માટે 2 માર્ચ રાખવામાં આવી છે.
છ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 144 વોર્ડમાં 576 બેઠક રહેશે, જેના માટે કુલ 11,477 મતદાન મથક ઉપર મતદાન થશે. જેમાંથી 3828 મથક સંવેદનશીલ છે. આ છ મહાનગરપાલિકામાં 1 કરોડ 12 લાખ 34,701 મતદાર મતદાન કરશે
ઉપરાંત 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 680 વોર્ડમાંથી વોર્ડ દીઠ 4 સભ્ય લેખે 2720 સભ્યની ચૂંટણી કરવા માટે 4848 જેટલા મતદાન મથક ઉપર મતધાન થશે. જેમાં અંદાજિત 46.79 લાખ મતદાર નોંધાયેલા છે. સાથે જ 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી એકસાથે યોજાવાના લીધે એક મતદારે 2 મત આપવાના હોય છે જેનું મતદાન 31,345 મતદાન મથક ઉપર થશે જેના માટે 2.50 કરોડ મતદાર મત આપશે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠક, જ્યારે 231 તાલુકા પાચંયતની 4778 બેઠક ઉપર આ ચૂંટણી યોજાશે. આમ, 21 અને 28 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં 6419 વોર્ડ મતદાન મંડળમાંથી 8402 સભ્યની ચૂંટણી માટે અંદાજે 47,695 મતદાન મથક ઉપર 4.04 કરોડ મતદાતા મતદાન કરશે.
કુલ મતદાનના 47,695 મતદાન મથક ઉપર અંદાજે 2.80 લાખ પોલીસ સ્ટાફ, 1 લાખથી વધુ સુરક્ષા કર્મચારીઓ તેમજ ઝોનલ ઓફિસરને તેમના ફરજનાં સ્થળે પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત કોરોનાને ધ્યાનમાં લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે ગણતરી મુજબની વધારાની એસટી બસ અને અન્ય વાહનોના કુલ 14 હજાર જેટલા ડ્રાઇવર, ક્લીનર્સ અને પટ્ટાવાળાને ફરજ ઉપર મૂકવામાં આવશે. આ ઉપરાંત 3 લાખ જેટલા મતદાન એજન્ટ અને નોંધાયેલા 4.04 કરોડ મતદારો પૈકી મતદાન કરવા મતદાનમથક સુધી આવે તેની સતત આવન-જાવન મતદાન અધિકારીઓ સમક્ષ મતદાનના 10 કલાકના સમય સુધી કરવાનું રહેશે. મતદાન કક્ષમાં પોલિંગ સ્ટાફ અને એજન્ટ સહિત 9થી 10 વ્યક્તિને પૂરા સમય સુધી ઉપસ્થિત રહેવાનું રહેશે.
---------
આ વખતે ચતુષ્કોણીય જંગ
ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપ અને MIM પણ મેદાનમાં
અમદાવાદ, તા.23 :  આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી, એઆઇએમઆઇએમ પાર્ટી મેદાનમાં ઉતરનારી છે. આમ, આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચતુષ્કોણિય બનશે જેને લઇને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારે રોમાંચક અને રસપ્રદ બની રહેશે એ નિશ્ચિત છે.
મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજ્યમાં હાલ કોઇપણ પ્રકારના આંદોલનો છે નહીં, તાજેતરમાં યોજાયેલી 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સત્તાધારી ભાજપે જીત હાંસલ કરી છે જેને લઇને ભાજપના અદના કાર્યકરોમાં ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ પ્રમુખ ફોર્મુલાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગી બહુમતિથી જીતવાની વ્યૂહરચના અપનાવી છે.ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા 10 દિવસથી અનેક કાર્યક્રમો, ઉદ્દઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવ્યા છે. મહાનગર અને નગરપાલિકાની ચૂંટણીમાં 50 ટકા જેયલા વર્તમાન કાઉન્સીલરોને બદલવામાં આવશે અને તેના સ્થાને નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે.
બીજી બાજુ કોંગ્રેસે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં પહેલા જ પ્રભારી રાજીવ સાતવની આગેવાની હેઠળ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી હતી. ઉમેદવારોની પસંદ કરવાની પ્રક્રિયા શરૂ પણ કરી દીધી છે. વર્તમાન કાઉન્સીલરોમાથી જે ઉમેદવારો જીતી શકે તેવી શક્યતા છે તેઓને બદલવામાં નહીં આવે પરંતુ નવા ચહેરાઓને સ્થાન અપાશે. શહેરી વિસ્તારની મહાનગરપાલિકા તેમજ પાલિકાની ચૂંટણીમાં યુવાનો અને મહિલાઓને વધારે પ્રમાણમાં ટીકીટ આપવામાં આવશે.
આપના પ્રચાર વિશે ગુજરાતમાં આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીનો પ્રચાર કરવા માટે અરાવિંદ કેજરીવાલથી માંડીને આપ પાર્ટીના તમામ દિલ્હીના હોદ્દેદારો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. આપ પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં 1700થી વધુ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સ્થાનિક કક્ષાના પ્રશ્નોને આગળ કરી દિલ્હી મોડલને આધારે ગુજરાતમાં મતદારો પાસે મદદ માગવામાં આવશે. સાથે સાથે આપના વડા અરાવિંદ કેજરીવાલ, મનીષ સીસોદીયા સહિત અન્ય નેતાઓ પણ ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચાર હાથ ધરશે.
આ ઉપરાંત ગુજરાતમાં ચૂંટણી લડવા માટે અસુદ્દીન ઓવૈસીની પાર્ટીએ વસાવા બંધુઓ સાથે હાથ મિલાવ્યા છે. ગુજરાતના રાજકારણમાં અસુદ્દીન ઔવેસીની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમ અને છોટુ વસાવાની પાર્ટીનું ગઠબંધન થયું છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત છોટુ વસાવાએ કરી છે. ત્યારે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોમાંચક બની રહેવાની છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer