રાજનાથના નિવાસસ્થાને ભાજપના અગ્રણી નેતાઓની બેઠક મળી
નવી દિલ્હી, તા.ર1 : સંસદનું બજેટ સત્ર નજીક છે ત્યારે તે પહેલા વિપક્ષના પ્રહારનો જવાબ આપવા ભાજપ રણનીતિ ઘડવામાં લાગી ગયુ છે. વિપક્ષ પાસે એવા અનેક મુદા છે જેમાં તે સરકારને ઘેરી શકે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવાસ સ્થાને બુધવારે સાંજે ભાજપના અગ્રણી નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, વિદેશમંત્રી એસ.જયશંકર, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી, રાજ્યસભાના ભાજપના નેતા થાવર ચંદ ગેહલોત સહિત અનેક નેતાઓ હાજર રહયા હતા. એવુ કહેવાય છે કે આ બેઠકમાં બજેટ સત્ર અંગે ચર્ચા કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં બજેટ રજૂ કરાશે તેવી અટકળો છે.
ર9 જાન્યુઆરીથી બજેટ સત્રનો આરંભ થવાનો છે. એક દિવસ બાદ 30મીએ સરકાર સર્વદળીય બેઠકનું વર્ચ્યુઅલ આયોજન કરશે. કૃષિ કાયદા અંગે ખેડૂતોનું આંદોલન લાંબા સમયથી ચાલી રહયુ છે. ભારત-ચીન સરહદે વિવાદ લાંબા સમયથી યથાવત છે. જેથી કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષો સરકારને ભીંસમાં લેવા પ્રયાસ કરશે. સરકાર વિપક્ષના દરેક પ્રહારનો ફ્રંટફૂટ પર રહીને સામનો કરવા ઈચ્છે છે જેના આયોજન માટે આ બેઠક યોજાઈ હોવાનું માનવામાં આવે છે.
બજેટ સત્રમાં વિપક્ષના પ્રહારોના સામના માટે સરકારે ઘડી રણનીતિ
