ચણા, જીરુ અને ઘઉં જેવા પાકોની સ્થિતિ ખૂબ સારી- વાતાવરણ ઠંડું રહે તો લાભ
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ.તા.15 : ખરીફ ઋતુમાં અતિવૃષ્ટિથી પાકને થોડું નુક્સાન થયું હતુ પણ રવી સીઝનમાં બમ્પર ઉત્પાદન થાય તેવા ચિહનો મળી રહ્યા છે. તમામ પાકોનું પુષ્કળ વાવેતર થયું છે અને અત્યાર સુધી ઠંડીનું પ્રમાણ પણ પાક માટે માફકસર હતુ એટલે રેકોર્ડબ્રેક ઉત્પાદન થાય એમ છે. ખાસ કરીને ચણા, જીરુ અને ઘઉં જેવા મુખ્ય પાકો માટે હવે એક મહિનો માફકસર હવામાન રહે તો ઢગલાં થાય તેમ છે.
ખેડૂતો કહે છે, પાણીની કોઇ સમસ્યા નથી થઇ એટલે જગ્યાં મળી ત્યાં બધે જ કોઇને કોઇ પાકોનું વાવેતર કર્યું જ છે. પિયત પણ સમયસર આપી શકાય છે. અત્યાર સુધી ઠંડી પણ વ્યવસ્થિત પડી છે. જોકે એકાએક ગરમ વાતાવરણ ન થાય તો સમસ્યા થાય એવું નથી.
ગુજરાતમાં અગાઉ ક્યારેય ન થયું હોય એટલું 45.38 લાખ હેક્ટરમાં શિયાળુ પાકનુ વાવેતર થયાનો આંકડો બહાર આવ્યો છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગના આંકડાઓ પ્રમાણે પાછલા વર્ષે 39.11 લાખ હેક્ટરમાં વાવણી હતી.
આ વર્ષમાં શિયાળુ પાકોમાં ચણાનો દબદબો છે. કારણકે ચણાનો વિસ્તાર ઘઉંથી ઘણો નજીક પહોંચી ગયો છે. ઉલ્ટુ આ વર્ષે ઘઉંનું વાવેતર ઘટયું છે. ખેડૂતો કહે છે, ગયા વર્ષની તેજીને જોઇને ઘણા ખેડૂતોએ ચણાનું વાવેતર કરી દીધું છે.એ કારણે વિસ્તાર વધી ગયો છે.
ખેડૂત રમેશ ભોરણીયા કહે છે, ઉત્તર ગુજરાતમાં જીરુ અને એરંડાના પાકમાં વધુ પડતી ઠંડી અને પછી ગરમ વાતાવરણને લીધે થોડી સમસ્યા થઇ હોવાની ફરિયાદ આવી છે. જોકે એકંદરે સ્થિતિ સારી જ છે. ઘઉં, રાયડો, લસણ, ચણા, જીરુ,ધાણા, બટાટા, વરિયાળી વગેરેમાં ઉત્પાદન સારું આવવાનો અંદાજ છે.
ચણાનું વાવેતર ગુજરાતમાં 8.03 લાખ હેક્ટરમાં થયું છે. પાછલા વર્ષમાં 3.74 લાખ હેક્ટરમાં હતુ. સામાન્ય રીતે 3 લાખ હેક્ટરમાં વાવણી થતી હોય છે એ કારણે ઉત્પાદનમાં મોટો વધારો થશે. ખેડૂતોને ભાવ મળવાની સમસ્યા થશે તેવું અત્યારથી લાગી રહ્યું છે. ઘઉંનું વાવેતર પાછલા વર્ષની તુલનાએ થોડું ઓછું છે. ગયા વર્ષમાં 13.64 લાખ હેક્ટર હતુ તેની સામે આ વખતે 13.42 લાખ હેક્ટરમાં વાવણી છે.
રાયડાનું વાવેતર 2.14 લાખ હેક્ટરમાં છે. જે પાછલા વર્ષમાં 1.72 લાખ હેક્ટરમાં થયું હતુ.
સારા વરસાદ અને ઉંચા ભાવને લીધે શેરડીનું વાવેતર 2.03 લાખ હેક્ટર થયું છે. પાછલા વર્ષમાં 1.28 લાખ હેક્ટરમાં હતુ. જીરુમાં પણ પાછલા વર્ષથી થોડો ઘટાડો થયો છે. જોકે સારું વાતાવરણ રહે તો ઉતારો વધશે. સરકારી આંકડા પ્રમાણે 4.68 લાખ હેક્ટરમાં વાવેતર છે. જે પાછલા વર્ષમાં 4.68 લાખ હેક્ટર હતુ. ધાણાનું વાવેતર 87,659 હેક્ટર હતુ. તે આ વર્ષે 1.40 લાખ હેક્ટર થયું છે. લસણનો વિસ્તાર 11478 સામે 1594 હેક્ટર રહ્યો છે.