સુરતમાં ધાડપાડુ ગેંગ ઝડપાઈ

લોકડાઉનમાં કારખાનું બંધ થઈ જતા સાગરીતોને બોલાવી લૂંટનો પ્લાન ઘડયો’તો : રૂ.ર લાખનો મુદ્દામાલ કબજે
સુરત, તા.15:  સુરતના વરાછા કાપોદ્રા વિસ્તારમાં હીરાનું કારખાનું ચલાવતા ઉદયસિંહ ઉર્ફે પપ્પુ તોમરનું કોરોના મહામારીનાં કારણે લોકડાઉનમાં કારખાનું બંધ થઈ ગયું હતું અને લોકડાઉન ખૂલ્યા બાદ કામધંધો મળતો ન હોય સુરતમાં લૂંટ કરવાનો કારસો કર્યો હતો અને ઉત્તરપ્રદેશ - દિલ્હીથી અજીત ચૌહાણ, રોનીત ઉર્ફે મોહિત ઉર્ફે વિશાલ ચૌહાણને બોલાવ્યા હતા અને સુરતમાં આશરો આપ્યો હતો અને પ્રીતેશ ઉર્ફે ટાયગર સાથે મંડળી રચી મહીધરપુરા વિસ્તારમાં ભવાની વડ સામે આવેલા અક્ષર આંગડિયા પેઢીના ભાગીદારને કતારગામ દરવાજા પાસે લૂંટવાનો પ્રયાસ કર્યે હતો પરંતુ નિષ્ફળ રહ્યા હતા.
દરમિયાન સુરતમાં આવેલી આંગડિયા પેઢીઓની માહિતી મેળવવા ગૂગલ એપ પર સર્ચ કરી ઉધના સિલિકોન શોપર્સમાં આવેલ પટેલ મહેન્દ્ર સોમા કંપની આંગડિયા પેઢીની માહિતી મેળવી હતી અને પંદર દિવસ રેકી કર્યા બાદ મંગળવારે આંગડિયા પેઢીનો કર્મચારી મુદ્દામાલ લઈને નીકળે ત્યારે રસ્તામાં લૂંટી લેવાનો કારસો કર્યે હતો પરંતુ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે પાલનપુર પાટિયાના અજીત નહારસિંહ ચૌહાણ, રોનીત ઉર્ફે મોહિત ઉર્ફે વિશાલ તુલસી ચૌહાણ, પ્રીતેશ ઉર્ફે ટાયગર રામવિનોદ પરમાર, ઉદયવીરસિંહ ઉર્ફે પપ્પુ રાજબહાદુરસિંહ તોમર અને રવિપ્રતાપસિંહ તોમરને ઝડપી લીધા હતા.
પોલીસે ધાડપાડુ ગેંગ પાસેથી બે તમંચા, છ કાર્ટિસ, પિસ્તોલ, એક છરી, હથોડી, સેલોટેપ, દોરી, મરચાની ભૂકીના બે પડીકા, સાત મોબાઇલ, ત્રણ બાઇક સહિત રૂ.ર.07 લાખના મુદ્દામાલ સાથે રાંદેર ઝઘડિયા ચોકડી પાસેથી ઝડપી લીધા હતા. જેમાં એક બાઇક ત્રણ માસ પહેલા ચોરી કર્યાનું ખૂલ્યું હતું. પોલીસે વધુ તપાસ અર્થે ધાડપાડુ ગેંગને રીમાન્ડ પર લેવા તજવીજ હાથધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer