તાલાલા SBIમાંથી મહિલાના ખાતામાંથી રૂા.63 લાખની છેતરાપિંડી કરનાર બે આરોપી ઝડપાયા

તાલાલા સીપીઆઈ કચેરીએ વધુ તપાસ માટે સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા
તાલાલા ગિર, તા.15 : તાલાલા ગિરના વિદેશ રહેતા મહિલાના બોગસ દસ્તાવેજ રજૂ કરી તાલાલા ગિરની એસબીઆઈ બેંકમાં નોમીની તરીકે નામ દાખલ કરી બેંકમાં મહિલાના નામે જમા રૂા.63 લાખની બચત રકમ ઉપાડી લેનાર નાસતા ભાગતા બે આરોપીને તાલાલા સી.પી.આઈ. નટવરભાઈ આહીરે ઝડપી આ કેસની વધુ તપાસ માટે તાલાલા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગતા તાલાલા ન્યાય કોર્ટે બંને આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
તાલાલા ગિરના હીરાલક્ષ્મીબેન ઉર્ફે હીરાબેન કનૈયાલાલ ઠાકર અત્યારે યુ.કે.માં રહે છે. વિદેશમાં રહેતા મહિલાના તાલાલા ગિર (એસબીઆઈ) બેંક ખાતામાં નોમીની તરીકે તેમના પુત્ર ઘનશ્યામભાઈ ઠાકર હતાં. હિરાલક્ષ્મીબેન વિદેશથી તાલાલા ગિર આવતા ત્યારથી તાલાલાના આહીર પરબત કાના સાથે સંબંધ હોય આ સંબંધનો ગેરલાભ લઈ આહીર પરબત કાના રામ ઉર્ફે બટુક (ઉ.50) તથા તેમના પુત્ર હિરેન પરબત રામ (ઉ.28 રહે.બંને તાલાલા) હિરાલક્ષ્મી બેનના એકત્ર કરેલ ડોકયુમેન્ટ તાલાલા એસબીઆઈમાં રજૂ કરી નોમીની તરીકે પોતાના નામો દાખલ કરી રૂા.63 લાખની વધુ બચત રકમ એસબીઆઈમાંથી ઉપાડી છેતરાપિંડી કરી હતી. આ બનાવ અંગે તાલાલા એસબીઆઈ મેનેજર વિકાસ ગ્રહએ તાલાલા સીપીઆઈ કચેરીમાં ફરિયાદ આપતાં સીપીઆઈ કચેરીએ ગુનો દાખલ કરતાં બંને આરોપીઓ નાસી ગયા હતાં. જેની આજે ધરપકડ કરી આ કેસની વધુ તપાસ માટે બંને આરોપીને તાલાલા કોર્ટમાં રજૂ કરતાં ન્યાય કોર્ટે બંને આરોપીની સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer