એરપોર્ટનાં ઈજારા : અદાણીની ખિલાફ હતા નાણા મંત્રાલય અને નીતિ આયોગ

એરપોર્ટનાં ઈજારા : અદાણીની ખિલાફ હતા નાણા મંત્રાલય અને નીતિ આયોગ
નાણા મંત્રાલયે એક જ કંપનીને બેથી વધુ એરપોર્ટ સોંપવા અને નીતિ આયોગે અનુભવનાં આધારે ઉઠાવ્યા હતાં વાંધા
નવીદિલ્હી,તા.1પ: અદાણી ગ્રુપ દ્વારા 6 એરપોર્ટ માટે સૌથી મોટી બોલી લગાવવામાં આવેલી અને આ સમૂહે જ દેશનાં બીજા સૌથી મોટો મુંબઈ એરપોર્ટને પણ હસ્તગત કર્યુ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેનાં ટેકઓવરને લીલીઝંડી આપી દેવામાં આવ્યા બાદ હવે એક મોટો ખુલાસો થયો છે કે વર્ષ 2019માં લાગેલી બોલીની પ્રક્રિયા ઉપર નીતિ આયોગ અને નાણા મંત્રાલય દ્વારા વાંધો દર્શાવવામાં આવ્યો હતો કે એક જ કંપનીને 6 એરપોર્ટની સોંપણી કરવી જોઈએ નહીં. જો કે તેની અવગણના કરીને અદાણી ગ્રુપને જ તમામ એરપોર્ટ સોંપી દેવામાં આવ્યા હતાં.
દસ્તાવેજોનાં હવાલેથી મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ અનુસાર એનડીએ સરકારનાં સૌથી મોટા ખાનગીકરણ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ, લખનઉ, મેંગ્લોર, જયપુર, ગુવાહાટી, તિરુવનંતપુરમ એરપોર્ટ માટે બોલીઓને આમંત્રિત કરવામાં આવી હતી. કેન્દ્રની પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ અપ્રેઝલ કમિટી(પીપીપીએસી)એ મુલ્કી ઉડ્ડયન મંત્રાલય સાથે 11 ડિસેમ્બર 2018નાં રોજ આ પ્રસ્તાવ ઉપર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં નાણા મંત્રાલયે આપેલી નોંધમાં કહેવામાં આવ્યું હતું કે, 6 એરપોર્ટ હાઈલી કેપિટલ ઈન્ટેન્સીવ છે અને એક જ કંપનીને તેના પરવાના આપવા યોગ્ય નથી. એક કંપનીને બેથી વધુ એરપોર્ટનાં ઈજારા આપવા જોઈએ નહીં. આમાં આગળ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, આ મામલે નાણા મંત્રાલયે દિલ્હી અને મુંબઈ એરપોર્ટનાં અધ્યક્ષ સાથે પણ સંપર્ક કર્યો હતો. ત્યાં જીએમઆર યોગ્ય બોલી લગાવનાર હોવા છતાં બન્ને એરપોર્ટ તેને અપાયા નહીં. એ દિવસે જ નાણા મંત્રાલયની નોંધ ઉપર નીતિ આયોગે પણ અલગથી ચિંતા વ્યક્ત કરી હતી. નીતિ આયોગનું કહેવું હતું કે, પીપીપીનો મેમો સરકારની નીતિની ખિલાફ છે. જે બિડર પાસે ટેકનિકલ ક્ષમતા ન હોય તે સરકારની પ્રતિબદ્ધતા અનુરૂપ સેવાઓ આપી શકશે નહીં. નાણા મંત્રાલયનાં સચિવ એસસી ગર્ગની અધ્યક્ષતાવાળી પીપીએસી તરફથી કહેવામાં આવ્યું હતું કે, પહેલા જ નિર્ણય કરી લેવામાં આવ્યો છે કે અનુભવોને બોલીઓનો આધાર બનાવવામાં આવશે નહીં. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer