‘કોરોના રસીને લઈને ફેલાવવામાં આવે છે અફવા’

‘કોરોના રસીને લઈને ફેલાવવામાં આવે છે અફવા’
સ્વાસ્થ્ય મંત્રીએ કરી સ્પષ્ટતા : ટ્વિટર એકાઉન્ટ ઉપર લોકોમાં રહેલો ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો
નવી દિલ્હી, તા. 15 : દેશભરમાં કોરોના વાયરસ સામે 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન અમુક લોકોના મનમાં વેક્સિને લઈને ડર છે અને સોશિયલ મીડિયા ઉપર ઘણા પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે. આ અફવાને દૂર કરવા માટે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પોતાના ટ્વિટર ઉપર જવાબ આપીને આશંકાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હષવર્ધને કહ્યું હતું કે, સરકારે પહેલા રસીકરણ માટે વધુ જોખમ ધરાવતા સમૂહોની પસંદગી કરી છે. સૌથી પહેલા સ્વાસ્થ્ય કર્મી અને ફ્રન્ટલાઈન વર્કર્સ, પછી 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, પહેલાથી કોઈ બિમારીથી ગ્રસ્ત લોકો અને ત્યારબાદ તમામ જરૂરીયાતમંદ લોકો માટે રસી ઉપલબ્ધ રહેશે. આ સાથે બીજા દેશોની રસી કરતા ભારતની રસી ઓછી પ્રભાવશાળી હોવાની વાતને ફગાવી હતી. તેમજ બ્રિટનમાંથી મળેલા નવા કોરોના સામે રસીથી રક્ષણ સહિતના પ્રશ્નો અંગે પણ જવાબ આપવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે, કોરોના રસી અપાયા બાદ અન્ય સામાન્ય રસીની જેમ થોડી અસર જોવા મળી શકે છે.
----------
રસીકરણ માટે ડેટાના ઉપયોગની ચૂંટણીપંચની શરતી મંજૂરી
કોરોના રસીકરણ માટે લાભાર્થીઓની ઓળખ કરવામાં ચૂંટણીપંચે સરકારને પોતાના ડેટાનો ઉપયોગ કરવાની અનુમતી આપી છે. અલબત્ત, પંચે એવી શરત પણ આપી છે કે ડેટાનો ઉપયોગ માત્ર રસીકરણ માટે જ કરવાનો રહેશે અને પછી તે ડિલીટ કરવાનો રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંચે વિસ્તૃત વિચારવિમર્શ કર્યા બાદ ચોથી જાન્યુઆરીએ ગૃહ સચિવને જણાવ્યું હતું કે તે રસીકરણ માટે સહયોગ   આપશે. પંચે એવી શરત રાખી   છે કે રસીકરણ ઝુંબેશ સમાપ્ત થયા બાદ સ્વાસ્થ્ય અધિકારીઓએ ડેટાને નાબૂદ કરી નાખવા પડશે.
-----------
નોર્વેમાં રસી લીધા બાદ 13નાં  મોત; ફાઈઝર સામે સવાલો
નોર્વેમાં કોરોનારોધક રસી લીધા બાદ 13 લોકોનાં મોતથી વધુ એકવાર ફાઈઝરની રસી સામે સવાલો સર્જાયા છે. જો કે, નવા વર્ષના ચાર દિવસ પછી શરૂ કરી કુલ 33 હજાર લોકોને આ રસી આપી દેવાઈ છે.
મેડિસીન એજન્સીના મેડિકલ ડાયરેક્ટર સ્ટેઈનાર મૈડસેને આવાં તારણ સાથે કહ્યંy હતું કે, નોર્વેમાં કુલ 23 મોતને આ રસી સાથે જોડયા પછી 13ની તપાસમાં રસીનું કારણ જણાયું છે. કેટલાક બીમાર અને વૃદ્ધ વયના લોકો સિવાય સામાન્ય, સ્વસ્થ વ્યક્તિને રસી આપવામાં કોઈ ખતરો નથી દેખાતો, તેવું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer