ટીમ ઇન્ડિયાની ઇલેવનમાં ચાર ફેરફાર
બ્રિસબેન, તા.1પ: જખ્મી ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી છે. આજે ચોથા ટેસ્ટના પહેલા દિવસે નવદિત સૈની 8.પ ઓવર કરીને મેદાન બહાર થઇ ગયો હતો. તેના પગના સ્નાયૂ ખેંચાઇ ગયા છે. ભારતીય ઇલેવનમાં ચાર ફેરફાર થયા હતા. ઇજાગ્રસ્ત ખેલાડીઓ જસપ્રિત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિનના સ્થાને ટી. નટરાજન, વોશિંગ્ટન સુંદર, મયંક અગ્રવાલ અને શાર્દુલ ઠાકુરને તક મળી હતી. નટરાજન અને સુંદરે ટેસ્ટ પદાર્પણ કર્યાં હતા અને ભારતના 300 અને 301મા ટેસ્ટ ખેલાડી બન્યા હતા.
સતત ઇજાને લીધે ભારતીય ટીમમાં એવા બે જ ખેલાડી છે જે શ્રેણીના ચારે ચાર મેચના હિસ્સા હોય. તે છે કાર્યવાહક સુકાની અજિંકય રહાણે અને ચેતેશ્વર પુજારા. ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારતે કુલ 20 ખેલાડીને અંદર-બહાર કર્યાં છે. જે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો નવો રેકોર્ડ છે. આ પહેલા 2013-14ની એશિઝ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ 18 ખેલાડીને અજમાવ્યા હતા.