ઓસિ. દર્શકોનો ફરી ખરાબ વ્યવહાર સિરાઝ અને સુંદરને અપશબ્દો કહ્યા

બ્રિસબેન, તા.1પ : ઓસ્ટ્રેલિયાના દર્શકો ભારતીય ખેલાડીઓ સામે અપશબ્દ અને ખરાબ કોમેન્ટ કરવાની હરકતમાંથી બહાર આવ્યા નથી. આજે બ્રિસબેનના ગાબાના મેદાન પર ફરી એકવાર ઓસ્ટ્રેલિયન દર્શકોએ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ સાથે ખરાબ વર્તન કર્યું હતું અને અપશબ્દો કહ્યા હતા. જો કે આ મામલે ભારતીય ટીમે હજુ કોઇ ફરિયાદ નોંધાવી છે કે નહીં તે સામે આવ્યું નથી. દર્શકોએ સિરાઝને ‘વામન’ અને ‘કીડો’ જેવા ખરાબ શબ્દો કહ્યા હતા. તોફાની દર્શકોના ટોળાએ આ ઉપરાંત ગીત ક્યૂ સેરાની ધૂનને ક્યૂ સિરાઝમાં ફેરવી દીધી હતી અને વારંવાર સિરાઝને ‘બ્લડી ગ્રબ’ (કીડો) કહેતા હતા. તેવો રિપોર્ટમાં દાવો થયો છે.
સિરાઝ સાથે દર્શકોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યોં હતો. સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ અનુસાર કેટલાક પ્રેક્ષકોએ ફરી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યોં હતો. સિરાઝ ઉપરાંત વોશિંગ્ટન સુંદરને ઓસ્ટ્રેલિયન દર્શકોએ અપશબ્દ કહ્યા હોવાના રિપોર્ટ છે. કેટ નામક એક દર્શકે જણાવ્યું કે સિરાઝ અને સુંદર વિશે કેટલાક તોફાની દર્શક સતત ખરાબ ભાષા બોલી રહ્યા હતા અને ચીડવી રહયા હતા. વોશિંગ્ટન સુંદરે આ મેચથી ટેસ્ટમાં પદાર્પણ કર્યું છે.
અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે સિડની ટેસ્ટ દરમિયાન પણ મોહમ્મદ સિરાઝ સાથે દર્શકોએ ખરાબ વર્તન કર્યું હતું અને અપશબ્દો કહ્યા હતા. બાદમાં પોલીસે તોફાની દર્શકોને સ્ટેડિયમની બહાર કાઢયા હતા. આ મામલે બીસીસીઆઇએ આઇસીસીને અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ફરિયાદ પણ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer